વડોદરાના માંજલપુર વિસ્તારમાં લગ્ન બાદ નોકરી કરવા માટે દબાણ કરી પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: લગ્ન બાદ નોકરી માટે દબાણ કર્યા બાદ લોકડાઉનના પગલે નોકરી છુટી જતા પિયરમાંથી દહેજ પેટે 10 લાખ રૂપિયા લાવવા દબાણ કરનાર પતિ સહિત સાસરી પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ પરિણીતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી ના લગ્ન વર્ષ 2016 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ વરુણ સુરેશસિંહ ઠાકોર ( રહે - તિલક નગર સોસાયટી, આજવા રોડ) સાથે થયા હતા. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાસુ સસરા લગ્ન બાદ મને નોકરી કરવા માટે દબાણ કરતા નોકરી શરૂ કરી હતી. લોકડાઉનના પગલે નોકરી છુટી જતા સાસરી પક્ષના સભ્યોને ગમ્યું ન હતું અને પીયરમાંથી 10 લાખ રૂપિયા લઈ આવવા દબાણ કરતા હતા. વર્ષ 2020 ડિસેમ્બર મહિના દરમિયાન મને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ આજદિન સુધી તેડવા આવ્યા નથી.