ગુજરાત
News of Tuesday, 30th November 2021

સુરતમાં દહેજ મામલે પરિણીતા પર ત્રાસ ગુજારી પરેશાન કરનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેર  ખાતે રહેતી ફરિયાદી મહીલાના લગ્ન તા.8-6-93ના રોજ હિતેશ બાલુભાઈ પટેલ સાથે થયા હતા.લગ્નના એક વર્ષ બાદ પતિ દ્વારા નાની નાની બાબતે ઝઘડો કરીને તારા બાપના ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી એમ કહીને ત્રાસ આપતા હતા.ત્યારબાદ તને જો છોકરી જન્મી તો ઘરમાંથી બહાર કાઢી મુકીશ એવું કહીને વર્ષ-2012માં ઘરમાંથી કાઢી મુકી હતી.જેથી ફરિયાદીએ મહીલા પોલીસ મથકમાં પતિ વિરુધ્ધ દહેજ પ્રતિબંધક ધારા તથા સ્ત્રી અત્યાચારધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.

જે અંગે મહીલા પોલીસ મથકના તપાસ અધિકારીએ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ રજુ કર્યા બાદ નીચલી કોર્ટ સમક્ષ જુલાઈ-2014માં કેસ ચાલી જતાં નીચલી કોર્ટે આરોપી પતિ હિતેશ પટેલને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.જેથી નીચલી કોર્ટના હુકમથી નારાજ થઈ પતિ હિતેશ પટેલે  કલ્પેશ દેસાઈ મારફતે તેની કાયદેસરતાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટમાં કરી હતી.જેની સુનાવણી દરમિયાન અપીલ કર્તા તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે બંનેના લગ્નજીવનના 17 વર્ષના ગાળા દરમિયાન બે સંતાનોનો જન્મ થયો છે.આ સમય દરમિયાન ફરિયાદીને કોઈ મારઝુડ કે ઈજા થયાનો પુરાવો નથી.જે પુત્રીના જન્મ બાબતે  ત્રાસ આપ્યાનું ફરિયાદીએ જણાવ્યું છે તે  પુત્રી પહેલાથી જ પિતા સાથે રહેવા ઉપરાંત તેના લગ્ન કરાવ્યા બાદ પણ પિતા-પુત્રીના સંબંધો આજે પણ સારા છે.જેને કોર્ટે માન્ય રાખીને નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમને કાયદાની ભુલ ભરેલો ગણાવીને રદ કરી આરોપી પતિની અપીલને મંજુર કરીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

 

(6:07 pm IST)