ગુજરાત
News of Friday, 31st March 2023

વડોદરામાં ફ્રેન્ડશીપના નામે યુવતીઓને ફસાવી ગર્ભવતી બનાવી તરછોડી દેનાર નરાધમ યુવક વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: ફ્રેન્ડશીપના નામે યુવતીઓને ફસાવી તેમનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં તો યુવતીઓની હાલત અત્યંત દયાજનક બની જતી હોય છે. આવા જ એક કિસ્સામાં કુવારી માતા બનવા જઈ રહેલી યુવતીએ અભયમની મદદ લીધી છે. પાદરા ખાતેની અભયમની ટીમને એક યુવતીએ કોલ કરી મદદ માગી હતી. આ યુવતીએ કહ્યું હતું કે, મને પ્રેમ કરનાર યુવકે શરીર સુખ માણ્યા બાદ હવે લગ્નનો ઇન્કાર કરી રહ્યો છે. અભયમની ટીમ મહિલા પોલીસને લઈ પીડીતા પાસે પહોંચી હતી અને પૂછપરછ કરતા પીડીતા એ કહ્યું હતું કે એક યુવક સાથે પ્રેમ સંબંધ થતાં તેણે શારીરિક સુખની માંગણી કરી હતી અને જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ હું પ્રેગ્નન્ટ થઈ હતી જેથી મેં યુવકને આ વાતની જાણ કરી લગ્ન માટે આગ્રહ કરતાં યુવકે ઇનકાર કર્યો હતો. યુવકે કહ્યું હતું કે આપણી વચ્ચે તો માત્ર ફ્રેન્ડશીપ હતી. લગ્નનો પ્રશ્ન ક્યાં આવે છે. ત્યારબાદ તેણે સંપર્ક કાપી નાખ્યો હતો અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધો છે. જેથી હવે એમની ટીમે આ બાબતે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

(6:41 pm IST)