ગુજરાત
News of Friday, 31st March 2023

સુરતના અલથાણ વિસ્તારમાં ઘર નજીક રમતી બાળકી પર શ્વાનનો હુમલો

સુરત:શહેરમાં કુતરાઓનું આક્રમક વલણ બંધ થવાનું નામ લેતું નથી અને આજે અલથાણ વિસ્તારમાં વધુ એક ડોગ બાઈટનો કેસ બન્યો છે. પોતાના ઘર નજીક રમી રહેલી બાળકી પર એક કૂતરાએ અચાનક હુમલો કરીને બચકા ભરતા બાળકીને ઈજા થઈ છે. ડોગ બાઈટના આ બનાવને કારણે લોકોમાં ભય ફેલાયો છે તેની સાથે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં કુતરાઓના કરડવાને લીધે બે બાળકો સહિત ત્રણ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે રખડતા કૂતરાનો આતંક લોકોમાં ભય પેદા કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી નાના બાળકો ઉપર કુતરાના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના અલથાણ વિસ્તારમાં પોતાના જ ઘરની બહાર રમી રહેલી એક બાળકી કુતરાના હુમલાનો ભોગ બની છે. શહેરના અલથાણ ગામે ઘરની બહાર રમી રહેલી પાંચ વર્ષની મહેક રાઠોડ નામની બાળકી પર કુતરાએ હુમલો કરીને બચકાં ભરી દેતા બાળકીએ બૂમાબૂમ કરતા લોકોએ કૂતરાને બગાડ્યો હતો અને બાળકીને તેના ચુંગાલમાંથી બચાવી હતી. બાળકીને થાપાના ભાગે કુતરાએ કરડતાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાળકીની માતા આરતી રાઠોડે જણાવ્યું હતું કે, મહેક અન્ય બાળકો સાથે ઘરની બહાર રમી રહી હતી તે દરમ્યાન જ શેરીમાં રખડતાં કુતરાએ બાળકી પર હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં ત્રણ જેટલા કુતરાઓ દ્વારા આ પ્રકારના હુમલા કરવામાં આવ્યા છે જેના કારણે લોકોમાં ભારે ગભરાટ છે. આ વિસ્તારના કુતરા ભારે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેને કારણે બાળકો ભોગ બની રહ્યા છે. પાલિકા દ્વારા રખડતા કૂતરાની પકડવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ કૂતરાઓની સંખ્યા અનેક ગણી હોય પાલિકાની કામગીરી ટૂંકી પડી રહી છે. આવા હિંસ કુતરાનો ત્રાસ કાયમી ધોરણે દૂર કરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે.

(6:42 pm IST)