ગુજરાત
News of Friday, 31st March 2023

સુરતમાં શિક્ષકની નોકરીની લાલચ આપી પૈસા પડાવનાર આરોપીના આગોતરા જામીનની અરજી અદાલતે રદ કરી

સુરત:શહેરમાં સરકારી શાળામાં શિક્ષકની નોકરી અપાવવાની લાલચ આપીને નાણાં પડાવી બોગસ ડીઈઓ નો લેટર્સ બનાવી ગુનાઈત ફોર્જરી ઠગાઈ કેસમાં ઓલપાડ પોલીસની ધરપકડથી બચવા આરોપીએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અનિલ મલિકે નકારી કાઢી છે. ફરિયાદી ધર્મિષ્ઠાબેને સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી અપાવવાનું જણાવીને કુલ રૃ. ૧ લાખ પડાવી લઈને ગુનાઈત ફોર્જરી તથા ઠગાઈનો કારસો રચવા અંગે આરોપી વિશાલ ભરતભાઈ પંચોલી(રે.અશોક પાર્ક,નવલખી રોડ,મોરબી) વિરુધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી વિશાલ પંચોલીએ આગોતરા જામીન માટે માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે બનાવના પાંચ વર્ષ બાદ થયેલી વિલંબિત ફરિયાદનો ખુલાશો ફરિયાદપક્ષે કર્યો નથી.આરોપીએ લીધેલા 1 લાખ પૈકી 40 હજાર પરત આપ્યા છે.હાલનો કેસ દિવાની હોવા છતાં ફરિયાદીએ પોલીસ મશીનરીનો ઉપયોગ કરીને ખોટી ફરિયાદ નોંધાવી છે. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી નીતીન ચોડવડીયાએ જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીને 3.99 લાખ હપ્તામાં આપવાનું જણાવી શિક્ષકની સરકારી નોકરી આપવાની લાલચ આપી છે.આરોપીએ શિક્ષકની નિમણુંકના બોગસ ડીઈઓનો લેટર્સ પણ તૈયાર કરી રાખ્યો છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિર્દેશ આપી આગોતરા જામીનની માંગ નકારી કાઢી હતી.

(6:47 pm IST)