ગુજરાત
News of Monday, 31st May 2021

GTUના ૪૦ કોર્ષના ૭ લાખ છાત્રોના ડીગ્રી સર્ટીફીકેટનું ડીઝીટલાઈઝેશનઃ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી

વેરીફીકેશન માટે યુનિવર્સિટીએ જવું નહિ પડેઃ ડીઝીલોકર સીસ્ટમ કાર્યરત

રાજકોટ, તા. ૩૧ :. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ હવે ખરાઅર્થમાં ડીઝીટલ યુગમાં પગલા કર્યા છે. ડીઝીલોકર સીસ્ટમ અપનાવી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની ૭ લાખથી વધુ વિદ્યાર્થીના ડીગ્રી સર્ટીફીકેટનું ડીઝીટલાઈઝેશન કર્યુ છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ૨૦૧૧થી ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષના ડીગ્રી-ડીપ્લોમાં પીજી અને પીએચ.ડી. સહિત વિવિધ ૪૦ અભ્યાસક્રમોના ૭ લાખ ૭ હજાર વિદ્યાર્થીઓના ડીગ્રી સર્ટીફીકેટનું ડીઝીટલાઈઝેશન થયુ છે. જીટીયુ ગુજરાત રાજ્યની એક માત્ર યુનિવર્સિટી છે કે ત્યાં સૌધી વધુ સંખ્યામાં સર્ટીફીકેટ અપલોડ કરવામાં આવ્યા છે. ડીજીલોકર અપલોડીંગમાં દેશની ટોપટેન યુનિવર્સિટીમાં જીટીયુએ અગ્રીમ સ્થાન મેળવ્યુ છે.

દેશ-વિદેશમાં અભ્યાસ કરવા તેમજ કંપનીઓમાં નોકરી દરમ્યાન ડીગ્રી સર્ટીફીકેટનું ઓનલાઈન વેરીફીકેશન પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ખાતે જવુ નહીં પડે.

કેન્દ્રીય શિક્ષણ વિભાગ તેમજ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)એ ડીઝીટલ ઈન્ડીયા અભિયાન અંતર્ગત તમામ વિશ્વ વિદ્યાલયોને તેના વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રમાણપત્ર ડીઝીલોકરમાં અપલોડ કરવા કહ્યુ હતું.

જીટીયુના કુલપતિ ડો. નવીનભાઈ શેઠ અને રજીસ્ટ્રાર શ્રી ખેરના માર્ગદર્શન હેઠળ ડીઝીલોકરની કામગીરી થઈ રહી હતી.

(3:00 pm IST)