ગુજરાત
News of Saturday, 31st July 2021

સાવધાન:વલસાડમાં વાતો વાતોમાં ત્રણ મહિલાઓએ દુકાનદારને વ્યસ્ત રાખ્યા, એક કિશોરી કાઉન્ટરમાંથી રોકડની કળા કરી ગઈ

માત્ર એક મિનિટમાં રોકડની ઉઠાંતરી કરી:આયોજનપૂર્વક ચોરી કરવાના ઈરાદે દુકાનમાં ઘૂસેલી મહિલાઓએ રોકડની ઉઠાંતરીની ઘટનાની દુકાનદારને ખબર ના પડે તે માટે શરીર પર ઓઢેલી સાલનો આડશ તરીકે ઉપયોગ કર્યો હતો, જેમાં તેઓ સફળ પણ રહી હતી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં ચોર ટોળકીએ એક નવા કીમિયાથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બે સંતાનોની સાથે આવેલી ત્રણ મહિલાઓએ બળજબરી પૂર્વક પ્રોવિઝન સ્ટોરની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી આ ધટના CCTV વાયરલ થયા હતા રોકડની ઉઠાંતરીનો સમગ્ર મામલે CCTVમાં કેદ થતા પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.વલસાડ શહેરના તિથલ રોડ ઉપર આવેલી એક કરિયાણાની દુકાનમાં એક બાળક અને એક કિશોરી સાથે આવેલી ત્રણ મહિલાઓએ વેપારી મહિલાની નજર ચૂકવી માત્ર એક જ મિનિટમાં રોકડની ઉઠાંતરીને અંજામ આપ્યો હતો.ભિક્ષુક જેવી લાગતી મહિલાએ દુકાનમાં પ્રવેશ કરતા જ મહિલા દુકાનદારે તમામને બહાર જવા અપીલ કરી હતી. પરંતુ, ચોરીના ઈરાદે આવેલી મહિલાઓએ દુકાનદારને વાતોમાં પરોવી રાખી હતી, તો બીજી તરફ તેઓની સાથે આવેલી એક સગીરાએ દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રકમ સેરવી લીધી હતી.આયોજનપૂર્વક ચોરી કરવાના ઈરાદે દુકાનમાં ઘૂસેલી મહિલાઓએ રોકડની ઉઠાંતરીની ઘટનાની દુકાનદારને ખબર ના પડે તે માટે શરીર પર ઓઢેલી સાલનો આડશ તરીકે ઉપયોગ કર્યો હતો, જેમાં તેઓ સફળ પણ રહી હતી. પરંતુ, દુકાનમાં લાગેલા CCTVમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી.
  પ્રોવિઝન સ્ટોરમાંથી થયેલી રોકડની ઉઠાંતરી અંગે હજી કેટલી રકમની ઉઠાંતરી થઈ તે અંગે ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી. દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે હાલ CCTVના આધારે મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.
  ધોળે દિવસે ઘૂસી ગયેલી મહિલાઓએ માથાથી પગ સુધી ઓઢેલા ધાબળા ઓઢ્યા હોવાનું જણાયું હતું.આ ત્રણે સ્ટોરમાં એકબીજા સાથે અડીને ઉભી રહી સંચાલિકા સાથે વાતો કરતી હતી. ધાબળાની આડશ અને વાતો વચ્ચે પાછળ શું ગતિવિધિ થઇ તે દેખાય નહિ તેવી રીતે ત્રણે મહિલાઓએ સ્ટોરની સંચાલિકાને ચારે બાજૂથી ઘેરીને વાતોમાં પરોવી રાખી હતી. દરમિયાન સાથે આવેલી સગીરા પાછળથી ગલ્લામાંથી રોકડ ઉઠાવી ગઇ હતી

(11:04 am IST)