ગુજરાત
News of Monday, 31st August 2020

આલે.. લે.. વાડ જ ચિભડા ગળી ગઈ ! : સુરત ATM માંથી 24 લાખ ની ચોરી કરનાર ગાર્ડ પોતે જ હતો : ધરપકડ

ATM મશીનને તોડ્યા વગર તેમાંથી રૂપિયા કાઢ્યા હતા : ચોરી સમયે ઉપયોગમાં કરવા આવેલ રિક્ષાના આધારે આરોપી ઝડપાયો : ATM રૂમમાં રેઇનકોર્ટ પહેરી ચોરી કર્યા બાદ છત્રી સાથે સીસીટીવી કેમેરામાં કેદ થયો

સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકના ATMમાંથી તસ્કરે 24 લાખ રૂપિયાની ચોરી કરનાર ગાર્ડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બેંકના એટીએમ તોડ્યા વગર તેમાંથી રૂપિયા કાઢવા શક્ય નથી, જો કે, કોઈ વ્યક્તિ પાસે એટીએમનો પિન નમ્બર હોય તો તે શક્ય છે. આ ઘટનામાં એ જ વાત સામે આવી છે.

સુરતના અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં જ બેંકનું ATM મશીન પણ મુકવામાં આવ્યું છે. અડાજણ-હજીરાના મુખ્ય રસ્તા આવેલું એટીએમ આમ તો ગુનેગારોની નજરમાં જ હતું, પરંતુ તેમાં ચોરી કરવાનો પ્રયાસ રાત્રે કરવામાં આવે તે સ્વભાવિક છે. દરમિયાન ગત મંગળવારે સવારે બેંકના મેનેજરને જાણ થઈ કે એટીએમમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું છે. બેંકના મેનેજરે તપાસ કરી તો ખબર પડી કે બેંકમાં રૂપિયા હોવાનું તો દેખાય રહ્યું હતું, પરંતુ રૂપિયા નીકળી રહ્યા નથી.

જેથી કોઈએ રૂપિયા કાઢી લીધા હોય તેવું જણાઈ રહ્યું હતું, જો કે, મહત્વની વાત એ હતી કે એટીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. ATM મશીનમાં શનિવારે રૂપિયા નાંખવામાં આવ્યા હતાં, તે સમયે એટીએમમાં 40,00,000 રૂપિયા હતાં. જેથી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTV ની તપાસ કરી હતી, જેમાં ગત 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યા ને 38 મિનીટે એક વ્યક્તિ એટીએમ રૂમમાં પ્રવેશ્યો હતો. આ વ્યક્તિએ રેઈનકોટ પહેર્યો હતો, સાથે જ તેનું મોઢું ન દેખાય તે માટે માથા પર છત્રી રાખી હતી.

માત્ર છ થી સાત મિનીટમાં તે બહાર નીકળી જાય છે. આ જ વ્યક્તિ ATM ને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર રૂપિયા લઈ જાય તેવું દેખાય રહ્યું હતું. પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, જેમાં ખુમાભાઈ પરમાર નામના ગાર્ડની અટકાયત કરવામાં આવી છે.

ઝોન ચાર ડીસીપી પ્રશાંત સુબેનું કહેવું છે કે, બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. બેંકના મેનેજરની ફરિયાદ લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. એટીએમ તોડ્યા વગર રૂપિયા કાઢવામાં આવ્યા છે, જેથી કોઈ જાણભેદુએ જ રૂપિયા કાઢી લીધા હોય તે શક્ય છે.

સીસીટીવી કેમેરાના ફુટેજો તપાસવામાં આવી રહ્યા હતાં, જેમાં રૂપિયા લઈ જનાર વ્યક્તિ એક રીક્ષાનો ઉપયોગ કરે છે, જેથી રીક્ષાનો નંબર મેળવી તેમાં બેસેલા પેલા વ્યક્તિની શોધખોળ કરવામાં આવી. રીક્ષાનું છેલ્લું લોકેશન નાનપુરા હતું. પોલીસે આ વિસ્તારમાં સ્ટેટ બેન્કના કયા કયા કર્મચારી રહે છે, તે તપાસ કરવામાં આવી હતી. જેમાં ખુમાભાઈનું નામ આવતાં તેમના ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુમાભાઈના ઘરેથી ચોરી કરાયેલા 24 લાખ રૂપિયા મળી આવ્યા હતાં. ખુમાભાઈએ ચોરી છુપીથી એટીએમનો પાસવર્ડ જોઈ લીધો હતો અને પછી ચોરી કરી હતી.

(9:45 pm IST)