ગુજરાત
News of Monday, 31st August 2020

સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 245 તાલુકામાં મેઘમહેર :સુત્રપાડામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ ખાબક્યો : દાંતા અને મોરબીમાં છ ઇંચ

સુત્રપાડામાં અનરાધાર વરસાદથી શહેરમાં ઘુટણસમાં પાણી ભરાયા

ગાંધીનગર: રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં પડ્યો છે. સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા શહેર બેટમાં ફેરવાયુ હતું. 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમા ઘૂટણસમા પાણી ભરાયા હતા.

સુત્રાપાડમાં ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સુત્રાપાડાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ધૂસી ગયા છે. બનાસકાંઠાના દાંતામાં સવા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરબીમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં આ સિઝનનો 114 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં સિઝનનો રેકોર્ડબ્રેક 242 ટકા પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 150 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાત સિવાય રાજ્યના તમામ વિસ્તારોમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 97 ટકા તો મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડી ચુક્યો છે.

(10:32 pm IST)