ગુજરાત
News of Monday, 31st August 2020

ધરોઈ ડેમમાં પાણી રેડ એલર્ટ લેવલે પહોંચતા અમદાવાદમાં હાઈ એલર્ટ જાહેર

ધરોઈ ડેમ ખાતે રવિવાર સાંજ સુધીનું લેવલ 80 ટકા એટલે કે 616.80 ફૂટ, પોહચ્યુ હતું : નીચાણવાસમાં આવેલા ગામોને એલર્ટ કરાયા જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશ્નરને પુર નિયંત્રણ વિભાગ દ્રારા જાણ કરતા તકેદારીના પગલા લેવાનું શરૂ : વાસણા બેરેજની સપાટી 129. 75 છે, જેમાં સાબરમતીનું પાણી આવતા સપાટી હજું વધશે

અમદાવાદ: સાબરમતી જળાશય ( ધરોઇ ડેમ ) (Dharoi dam) ખાતેનું હાલનું લેવલ સાંજ સુધીમાં 80 ટકા એટલે કે 616.80 ફૂટ છે. યાને કે એલર્ટ (alert) સ્ટેજ પર પહોંચ્યું હોવાથી અમદાવાદ સિંચાઇ યોજના (Ahmedabad irrigation) વર્તુળ પુર નિયંત્રણ કક્ષના નાયબ કાર્યપાલક ઇજનેર તરફથી નીચેવાસમાં આવેલા કાંઠા વિસ્તારના તમામ ગામોને જાણ થવા તથા અન્ય તેમ જ યોગ્ય પગલાં લેવાની અમદાવાદ જિલ્લા કલેકટર તથા મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી છે.

ધરોઈમાં પાણી વધીને એલર્ટ લેવલે જતાં સમગ્ર અમદાવાદનું તંત્ર સાવધાનની મુદ્રામાં આવી ગયું છે. તેનું કારણ એ છે કે વરસાદની હાલની સિસ્ટમ થોડો સમય વધારે જારી રહી તો ધરોઇમાંથી વધુને વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવી શકે છે. આ પાણીનો મોટો જથ્થો વાસણા બેરેજ (Vasna barrage) ભણી વાળવામાં આવે તેવી પૂરી સંભાવના છે. તેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો (Villages)ને તેના માટે ચેતવણી (Warning) આપી દેવામાં આવી છે.

પુર નિયંત્રણ વિભાગે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાબરમતી (Sabarmati) જળાશયનું લેવલ સાંજે 5 વાગ્યા સુધી 80 ટકા છે. તથા આવક 46,611 કયુસેક છે. જે અનુસાર જો પાણીની આવક સતત જળવાય તો સાંજે 6 વાગ્યા સુધીમાં 10,000થી 15,000 કયુસેક્સ પાણીનો પ્રવાહ ધરોઇ ડેમથી નીચેવાસમાં સાબરમતી નદીમાં છોડવામાં આવશે. જે પાણી સંત સરોવર, ગાંધીનગર ખાતેથી વાસણા બેરેજ ખાતે આવશે. જયાંથી બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવશે.

સંત સરોવર ( ઇન્દ્રોડા ) રીચાર્જ યોજનામાં પાણીનો જથ્થો 100 ટકા સપાટી ( 55.50 મીટર ) છે. તથા 140 કયુસેક પાણીની આવક તથા જાવક છે. વાસણા બેરેજની હાલની સપાટી 129.75 ફૂટ છે. જેની પૂર્ણ સપાટી 137 ફૂટ છે. હાલમાં વાસણા બેરેજ ખાતેથી 3983 કયુસેક્સ પાણીનો પ્રવાહ સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં વાસણા બેરેજના સ્ત્રાવક્ષેત્રમાં વરસાદને આધીન પાણીની સપાટી, ધરોઇ ખાતેથી છોડવામાં આવતાં પાણીના આધીન જથ્થો વધવાના કારણે યોજના મારફતે વધારાનું પાણી નદીમાં વહેવડાવવામાં આવે તેવી શક્યાતા છે. જેથી નીચેવાસમાં આવેલા કાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવા જાણ કરાઇ છે.

(8:48 pm IST)