ગુજરાત
News of Monday, 31st August 2020

ગુજરાતમાં સરેરાશ ૪૧ ઇંચ વરસાદ : કુલ જળસંગ્રહ ૮૦.૧૩ ટકા

રાજયમાં ૧૧૯.૭૮ ટકા વરસાદઃ તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ પાણી પડી ગયું : કચ્છમાં ૨૫૧.૬૬ ટકા, ઉતર ગુજરાતમાં ૧૦૧, મધ્યમાં ૮૭.પ૬ સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ અને દક્ષિણમાં ૧૦૨.૪૫ ટકા વરસાદ : મેઘરાજા મન મુકીને વરસતા આ વર્ષની પીવાના પાણીની ચિંતા તણાઇ ગઇઃ ઘઉં, ચણા જેવો શિયાળુ પાક પણ મબલખ પ્રમાણમાં થવાના સંજોગોઃ હજુ ચોમાસાનો એકાદ મહિનો બાકી હોવાથી વધુ જળજથ્થો ઉપલબ્ધ થવાની આશા

રાજકોટ, તા., ૩૧: રાજયમાં  જુન-જુલાઇ કરતા ઓગષ્ટમાં મેઘમહેર વધુ રહી છે. આજે સવાર સુધીમાં રાજયમાં ૪૧ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ મોસમનો ૧૧૯.૭૮ ટકા વરસાદ થયો છે. એક પણ તાલુકો દુષ્કાળગ્રસ્તની વ્યાખ્યામાં આવશે નહી. તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. ૯૪ તાલુકાઓમાં તો ૪૦ ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજયમાં નર્મદા સહીત કુલ ૨૦૬ ડેમ આવેલા છે. તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના ૮ં૦.૫ ટકા જળજથ્થો આજે સવાર સુધીમાં ઉપલબ્ધ થઇ ગયો છે. પીવાના પાણીની રાજયના લગભગ તમામ વિસ્તારોની આવતા વર્ષની ચિંંતા ટળી ગઇ છે. સિંચાઇ માટે પણ પુરતુ પાણી રહેશે. મેઘરાજાની મહેરના કારણે શિયાળુ પાક સારો થવાના સંજોગો નિર્માણ થયા છે.

રાજયમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ કચ્છ વિસ્તારમાં થયો છે. ઉતર ગુજરાતમાં ૧૦૧.૭૨ ટકા મધ્ય ગુજરાતમાં ૮૭.૫૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૪૫ ટકા વરસાદ પડયો છે. રાજયનો સરેરાશ વરસાદ ૧૧૯.૭૮ ટકા થયો છે. હજુ વરસાદી માહોલ છે.

નર્મદા ડેમમાં સપાટી આજે ૧૩૪.૫૦ મીટરે પહોંચી છે. તેની કુલ સંગ્રહશકિતના ૭૯.૯૨ ટકા પાણી આજે સવાર સુધીમાં સંગ્રહીત થયું છે. રાજયના અન્ય ૨૦૫ ડેમોમાં કુલ સંગ્રહ શકિતના ૮૦.૧૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ૧૦૩ ડેમ ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાઇ ગયા છે. જેમાં વણાંકબોરી, ભાદર, સસોઇ, ઓજત, વર્તુ-૧, પુના, હિરણ-ર, શેત્રુંજી, મચ્છુ-ર, મોજ, વેરાળી-ર, મુંજીયાસર, સુખભાદર, હિરણ-૧, કાબરકા, મોટા ગુજરીયા, બ્રાહ્મણી, ઉતાવળી, ઉબેણ, ખોડીયાર, મીટી, ફુલઝર-૧, આજી-૧, કણુકી, બલદેવા, સોડવદર, કાળુભાર, કબીર સરોવર, મધુવંતી વગેરેનો સમાવેશ થાય છે. રાજયમાં ગયા વર્ષની ૩૧ ઓગષ્ટે કુલ સંગ્રહશકિતના ૭૫.૧૮ ટકા જળજથ્થો હતો તે આજે સવારની સ્થિતિએ ૮૦.૧૩ ટકા છે. નર્મદા ડેમને સાથે ગણતા સરેરાશ જળજથ્થો ૮૦.પ ટકા થાય છે.

કેટલા ડેમોમાં કેટલું પાણી?

ડેમોની સંખ્યા         પાણી (ટકા)

૧૦૩     ૧૦૦ ટકા કે તેથી વધુ

૦૭૬     ૭૦ થી ૧૦૦ ટકા

૦૧૪     પ૦ થી ૭૦ ટકા

૦૦પ     રપ થી પ૦ ટકા

૦૦૭     રપ ટકાથી ઓછું

ર૦પ

ઉપરોકત ર૦પ ઉપરાંત નર્મદા ડેમમાં ૭૯.૯ર પાણી છે. ર૦પ ડેમમાં સરેરાશ ૮૦.૧૩ ટકા જળ જથ્થો ઉપલબ્ધ થયો છે.

(3:08 pm IST)