ગુજરાત
News of Monday, 31st August 2020

ફકત ૪ જ મીનીટમાં ચાલાક ચોરે ર૪ લાખનું એટીએમ આ રીતે 'ખાલીખમ્મ' કરેલુ

૧૨ આંકડાનો અલગ-અલગ બે વ્યકિત દ્વારા દાખલ થતો કોડ એકસ મીલટ્રીમેન એવા સિકયુરીટી ગાર્ડે યાદ રાખેલો : સુરત એસબીઆઇની મુખ્ય ઓફીસમાંથી માસ્ટર કી મેળવી હતીઃ રેઇનકોટ સાથે છત્રી આડી રાખી એટીએમમાં હાથ માર્યા બાદ, તેની ચાલ ઉપરથી ઓળખી કઢાયેલો : ર૭ બ્રાન્ચોના લાંબા સમયથી ન બદલેલા કોડો રાતોરાત ચેન્જ કરાવાયા હતા : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી પ્રશાંત સુમ્બે ટીમની મદદથી ઝડપથી ચોરને શોધી કાઢવામાં આવેલ : ગુજરાતના ઇતિહાસની અનોખી ચોરીઃ એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા અકિલા સમક્ષ વર્ણવે છે અથથી ઇતિ સુધીની રસપ્રદ દાસ્તાન

ચાલાક એટીએમ ચોર કે જે ચાલ ઉપરથી ઓળખાયોઃ એકસ આર્મીમેન (સિકયુરીટી ગાર્ડ) ખુમાનસિંહ રતનસિંહ.

રાજકોટ, તા., ૩૧: ગુજરાતના ઇતિહાસમાં અનોખી કહી શકાય તેવી ઘટના સુરતમાં બેંકના ઉચ્ચ અધિકારીઓની બેદરકારીથી બન્યાનું ખુલવા સાથે ફકત ચાર જ મીનીટમાં ર૪ લાખથી વધુ રકમ આખુ એટીએમ સાફ કરી નાખનાર ચાલાક ચોરને પોલીસે ગણતરીના કલાકોમાં સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ કઇ રીતે પકડી પાડયો તેની સમગ્ર રસપ્રદ અને એકસકલુઝીવ વાતો અકિલા સમક્ષ સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર શ્રી એચ.આર.મુલીયાણા દ્વારા વર્ણવામાં આવી છે.

નવાઇની વાત એ છે કે ૨૩ ઓગષ્ટની આ ઘટનાની જાણ સ્ટેટ બેંકના ઉચ્ચ અધિકારીઓને તા.રપને મંગળવારે ઓનલાઇન તમામ એટીએમની કરંટ પોઝીશન ચેક કરતા જોવા મળી.

હવે ચાલો ચાલાક ચોર વિષે માહીતી મેળવીએ. આ ચાલાક ચોરનું નામ ખુમાનસિંહ રતનસિંહ છે. દેવગઢ બારીયા તાલુકાના બીલીયા (લવારા) ફળીયુના ખુમાનસિંહ ર૦૧રની સાલમાંથી આર્મીમાંથી નાયકની પોસ્ટમાંથી રીટાયર્ડ થઇ એસબીઆઇમાં એકસ આર્મીમેન તરીકે ૭-૮ વર્ષથી સિકયુરીટી ગાર્ડની ફરજ બજાવતો હતો. આ એકસ આર્મીમેન એવા બેંકના સિકયુરીટી ગાર્ડે જ બેંક એટીએમમાં બે વ્યકિત દ્વારા અડધો-અડધો પાસવર્ડ એન્ટર કરવામાં આવે છે તે પાસવર્ડ આ એકસ આર્મીમેને યાદ કરી લીધો હતો. આ એકસ આર્મીમેને એટીએમની માસ્ટર કી એસબીઆઇની મુખ્ય કચેરીમાંથી મેળવી ચોરી કરી હતી. એટીએમમાં રેઇનકોટ પહેરવા છતા આડી છત્રી રાખી અને ર૪ લાખ ઉપાડી લેતા હડકંપ મચી ગયો હતો.

અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ ઘટના સ્થળની જાતે મુલાકાત લઇ ઝોન-૪ના ડીસીપી પ્રશાંત સુમ્બે વિગેરેની મીટીંગ કરી ચોરે જે ઝડપથી ચોરી કરી તે જ ઝડપથી તેને ઝડપી લેવા યોજના બનાવી.

ક્રાઇમ બ્રાન્ચનો બહોળો અનુભવ ધરાવતા એચ.આર.મુલીયાણાએ સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યુ. આ દરમિયાન એક રીક્ષા નજરે પડી  આ રીક્ષા ચાલકની તપાસ કરતા એક શખ્સ પોતે ઉતાર્યો હોવાની માહીતી આપી. આમ છતાં તેની કોઇ લીંક મળતી નહોતી. આ બાબતે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાથે ચર્ચા કરી પોલીસે રિવર્સ થીયરી અજમાવી. એ વિસ્તારના તમામ ફુટેજો ચેક કરતા રેઇનકોટ પહેરેલો એક શખ્સ માથે છત્રી રાખી રૂઆબદાર ચાલથી ચાલ્યો જતો હોવાનું જણાતા તેની ચાલ કોઇ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસના શિસ્તબધ્ધ જવાનની હોવાનું ખુલતા એ દિશામાં તપાસ હાથ ધરી.

બેંકના ટોચના અધિકારીઓ અને સ્ટાફની તથા એટીએમમાં પૈસા જમા કરતા વેન્ડરની પુછપરછમાં તેઓનો સિકયુરીટી ગાર્ડ એકસ આર્મીમેન હોવાનું ખુલતા જ  પોલીસ ટીમોએ તેને ઝડપી લીધો હતો. પોલીસે તુર્ત જ તમામ બ્રાન્ચના એટીએમ કોડ બદલી નાખ્યા હતા. નવાઇની વાત એ છે કે સમયાંતરે એટીએમ કોડ ચેન્જ થવા જોઇએ. પરંતુ આ કોડ ચેન્જ થયા નહોતા.

આમ ૧ર આંકડાના અલગ-અલગ જવાબદારો દ્વારા એન્ટર થતા કોડ સિકયુરીટી ગાર્ડની હાજરીમાં જ એન્ટર કરવા, સમયાંતરે કોડ ચેન્જ ન કરવા વિગેરે બેદરકારીને કારણે જ આ ઘટના ઘટી હોવાનું અજયકુમાર તોમર તથા એચ.આર.મુલીયાણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવી તમામ બેંકોએ આ બાબતે વેન્ડરોને સાવધ રહેવા ખાસ સુચના સાથે સિકયુરીટીના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

(12:38 pm IST)