ગુજરાત
News of Monday, 31st August 2020

ગુજરાત પોલીસે માત્ર ૨૨ જ દિવસમાં ૫૩૩ બાળકોને શોધી કાઢયા

સુરત શહેરના શોધાયા સૌથી વધુ ૮૮ ગુમ થયેલ બાળકોઃ ૬ થી ૨૭ ઓગસ્ટ ચાલ્યું અભિયાન

રાજકોટ,તા.૩૧: ગુજરાત રાજયના નવા નિયુકત થયેલા ડીજીપી આશિષ ભાટિયાએ રાજયમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે ૧૫ દિવસ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડીજીપી આશિષ ભાટિયાએ જાહેરાત કરી હતી કે આ ઝુંબેશ માટે રાજયના તમામ પોલીસ સ્ટેશન, હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ પોલીસની વિવિધ શાખાઓ જેવી કે CCB, DCB, PCB, SOG વગેરે શાખાઓ આ કામગીરીમાં લાગી જશે.

ગુમ થયેલા અથવા અપહરણ કરાયેલા બાળકો શોધવા માટે પોલીસ અધિકારીઓને આ ઝુંબેશ દરમ્યાન બાળસંભાળ કેન્દ્રોની મુલાકાત લઈને તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. પોલીસ રેકોર્ડ અનુસાર ગુજરાત રાજયમાં વર્ષ ૨૦૦૭ થી ૨૦૨૦ સુધીમાં લગભગ ૪૬,૪૦૦ બાળકો ગુમ થયેલા છે. જેમાંથી ૪૩૭૮૩ બાળકો મળી આવ્યા હતા, આ રીતે આંકડા કહીએ તો સફળતાનો દર ૯૪.૩૬ ટકા રહ્યો છે. રાજયના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા એક સમીક્ષામાં જણાવાયું હતું કે હજુ ૨,૬૧૭ બાળકો ગુમ થયેલા છે જેને શોધી કાઢવામાં આવશે આ સમગ્ર આદેશને પગલે ગુજરાત પોલીસે ૨૨ દિવસ માં ૫૩૩ બાળકોને શોધી કાઢ્યા છે. સુરત શહેર માંથી શોધાયા સૌથી વધુ ૮૮ ગુમ થયેલ બાળકો શહેરની ક્રાઇમ બ્રાન્ચ, મહિલા પોલીસ ફોજ જિલ્લાના લોકલ પોલીસ અધિકારી,PCB, SOG વગેરે એ કામગીરી માટે દિવસ રાત એક કરી નાખ્યા હતા. સૂત્રોની માહિતી અનુસાર ગુજરાતમાં હજુ ૨ હજારથી વધુ બાળકો ખોવાયેલ છે.(૩૦.૯)

રાજકોટ ગ્રામ્યના ૧૭ બાળકો મળ્યા

આ અભિયાન અંતર્ગત સુરતના ૮૮ બાળકોને શોધી શકાય છે. બનાસકાંઠાના ૪૫ બાળકો, દાહોદ જિલ્લાના ૪૨ બાળકો સૂરત ગ્રામ્યના ૨૪ બાળકો પંચમહાલના ૨૧ બાળકો, મહેસાણા અને ભાવનગરના ૨૦-૨૦ બાળકો મળ્યાં છે. અરવલ્લી જિલ્લાના ૧૮ અને રાજકોટ ગ્રામ્યના ૧૭ બાળકોને શોધી લેવામાં આવ્યા છે.

હજુ ૨૦૮૪ બાળકો ગુમ

ગુજરાત પોલીસે ૨ દીવસમાં જ ૫૩૩ બાળકોને શોધવામાં સફળતા મેળવી છે પરંતુ આંકડા એવું દર્શાવે છે કે હજુ ૨૦૮૪ બાળકો ખોવાયેલ છે. આ મહિનાની શરૂઆતથી ૨૬૧૭ બાળકો ખોવાયેલ છે તેવી વાત જાહેર થઇ હતી, જેને આધારે નવા નિયુકત ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા એ એક અભિયાન શરૂ કર્યું હતું.

૧૩ વર્ષમાં ૪૩ હજારને શોધી શકાયા

આ અગાઉ ગુજરાત પોલીસે વર્ષ ૨૦૦૭ થી ૨૦૨૦ સુધીમાં ૧૩ વર્ષમાં ૪૬ હજાર ૪૦૦ બાળકો માંથી ૪૩ હજાર ૭૮૩ બાળકોને શોધી શકાયા છે.

(3:45 pm IST)