ગુજરાત
News of Monday, 31st August 2020

ગુજરાતમાં જયાં સુધી ગંભીર મામલા અને મૃત્યુ દર ન વધે ત્યાં સુધી કોરોનાની ચિંતા નથી

ભારતીય જન સ્વાસ્થ્ય સંસ્થાન-ગાંધીનગરનું આંકલન : કોવીડ-૧૯ ને હળવા, મધ્યમ અને ગંભીરની કેટેગરીમાં વહેંચવાની જરૂરીઃ સરકાર વધુ આંકડા આપેઃ દિલીપ માવંલકર

ગાંધીનગર, તા. ૩૧ : ગુજરાતમાં જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કોરોનાના વધતા કેસને લઇને ત્યાં સુધી ચિંતાની જરૂર નથી જયાં સુધી તેના ગંભીર મામલાઓ તથા તેનાથી મોતના આંકડા ઓછા છે. કોરોનાના કેસોને હલકા, મધ્યમ અને ગંભીર લક્ષણમાં વહેંચવા અંગે વિચાર થઇ રહ્યો છે.

ગાંધીનગર સ્થિત ભારતીય જન સ્વાસ્થ્ય સંસ્થાના ડાયરેકટર દિલીપ માવંલકરે જણાવેલ કે રોજના નવા કેસ સામે આવે છે, પણ પહેલી વાત તો એ કે તેના વિશે જાણવાની જરૂર છે કે તેમાંથી ગંભીર કેસ કેટલા છે. સરકારે એ જણાવવું જોઇએ કે નવા દર્દી ઓકસીજન કે વેન્ટીલેટર ઉપર છે. આપણે ત્યાં મૃત્યુ દર ઓછો નોંધાય રહ્યો છે.

તેમણે વધુમાં જણાવેલ કે સરકારે તજજ્ઞોને વધુ આંકડા આપવા જોઇએ જેથી તેઓ વૈશ્વીક મહામારીની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકે. ગુજરાતના સૂરતમાં હાલમાં જ કોરોના ખુબ જ વધ્યો છે. સુરતના કમિશ્નર બંચ્છાનીધી પાનીએ જણાવેલ કે ચિંતા કરવાની જરૂર નથી કેમકે ફકત ૪૦૦ લોકો હોસ્પીટલમાં છે. તેમણે જણાવેલ કે કેસ વધુ હોવાથી માનવામાં આવે છે કે સ્થિતિ ગંભીર છે, પણ હોસ્પીટલના બેડ ખાલી હોવા ઉપરથી ખબર પડે છે કે કેટલા ઓછા દર્દી દાખલ છે.

સ્વાસ્થ્ય વિભાગ મુજબ સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાના ર૦૮૮પ કેસ સામે આવ્યા છે જેમાંથી ૮૦૯ લોકોના મોત થયા છે. હાલ ૮૭ર લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં કુલ ૯પ હજારથી વધુ કેસ નોંધાયા છે અને ૩૦૦૮ લોકોના મોત થયા છે.

(4:15 pm IST)