ગુજરાત
News of Monday, 31st August 2020

કોરોના લીધે અંબાજીના દર્શન માટે ઓનલાઈન સુવિધા કરાઈ

ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો આવે છે : યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી

અંબાજી,તા.૩૧ : બે દિવસ બાદ ભાદરવી પૂનમનો પર્વ છે. આ દિવસે અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે 'અનલોક-૩લ્લની ગાઇડલાઇન પ્રમાણે ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. આ સાથે ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભક્તો માતાના દર્શન કરી શકે તે માટે પહેલીવાર ગર્ભગૃહનાં લાઇવ દર્શન પણ કરાવી રહ્યા છે. માઈભક્તોની લાગણીને દુભાઇ ન તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

                   અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જો તમારે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તો તમે યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમથી દર્શન કરી શકો છો. જો તમારે ફેસબુકમાંથી લાઇવ દર્શન કરવા હોય તો અહીં આપેલી લિંક પર ક્લિક કરો. જો તમારે ટ્વિટરમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર ક્લિક કરો. જો તમારે યુ ટ્યુબમાંથી લાઇવ દર્શન કરવા હોય તો આ લિંક પર ક્લિક કરો. કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ઇતિહાસમાં પહેલીવાર ભરાવવાનો નથી. વર્ષ ૨૦૧૯માં ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં કુલ ૧૯,૮૪,૮૯૭ શ્રધૃધાળુઓ ઉમટયા હતાં. પૂનમના દિવસે તો ૩.૫૦ લાખ ભકતોએ માતાજીના શરણે શીશ ઝુકાવ્યુ હતું. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળાને કારણે સ્ટોલ કરીને નાના મોટા વેપારીઓ રોજગારી મેળવે છે.

(8:00 pm IST)