ગુજરાત
News of Monday, 31st August 2020

GTU ના વિદ્યાર્થીઓએ ટેકનોલોજી વિષય અંતર્ગત ગ્રામ વિકાસ માટે પ્રોજેકટ રજુ કર્યા

અત્યારે ઇલકેટ્રીકસ અને સિવિલ એન્જીનીયરીંગ શાખામાં પ૩૪ વિદ્યાર્થીઓ વિશ્વકર્મા યોજના હેઠળ કાર્યરત છે.

અમદાવાદ: ગ્રામ વિકાસને ઉપલક્ષે ટેકનોલોજીકલ, આર્થિક, ખેતી, રોડ-રસ્તા, સામાજિક સમરસતા, ‌પોસ્ટ ઓફિસ, પબ્લિક લાયબ્રેરી, રેન વોટર મેનેજમેન્ટ, આંગણવાડી, પબ્લિક હેલ્થ સેન્ટર, પીવાના પાણી તેમજ ગ્રામ પંચાયતના તમામ પ્રકારના મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓને સાંકળીને વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ આધારિત‌ વિકાસલક્ષી પ્રોજેક્ટ (GTU) રજૂ કરાયા હતા.

નિયોટેક ઇન્સ્ટિટયૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજના રાણા અરકાન હુસેન અને પ્રજાપતિ જીતેશ,

દર્શન ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના ઋત્વિજ પોપટ અને જીગર બાકોત્રા તથા

નોલેજ ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીરીંગ એન્ડ ટેકનોલોજીના ભાવિન મિસ્ત્રી અને રવિન્દ્ર તોમરે અનુક્રમે પ્રથમ ત્રણ સ્થાને એવોર્ડ મેળવ્યા હતા.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિશ્વકર્મા યોજના અંતર્ગત સિવિલ અને

ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ શાખાના વિદ્યાર્થીઓ ગ્રામ વિકાસના વિવિધ પ્રકારના પ્રશ્નોને સાંકળીને રિસર્ચ આધારિત છેલ્લા વર્ષનો પ્રોજેક્ટ રજૂ કરતાં હોય છે.

તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા એકેડમિક વર્ષ 2019-20ના ટોપ-3 પ્રોજેક્ટને જાહેર કરવામાં આવ્યા છે. ‌

જીટીયુ (GTU)ના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને આ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

જીટીયુ (GTU)ના કુલસચિવ ડો. કે. એન. ખેર અને વિશ્વકર્મા યોજનાના ડાયરેક્ટર પ્રો. ડો. જયેશ દેશકર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

જીટીયુ (GTU)ના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે,

“વિદ્યાર્થીઓ પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ સ્વરૂપે ગ્રામ વિકાસમાં સહભાગી થાય તે ખૂબ જ જરૂરી છે. જીટીયુની ઇલેક્ટ્રીકલ અને સિવિલ એન્જિનિયરિંગ શાખાના 534 વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રોજેક્ટ પર કાર્યરત છે , જે ખૂબ જ આનંદની વાત છે.”

વિશ્વકર્મા યોજનાના સફળ સંચાલન બદલ જીટીયુ (GTU)ના કુલપતિ અને કુલ સચિવે વિભાગના અધિકારી દર્શનાબેન ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતા.

(9:41 pm IST)