ગુજરાત
News of Monday, 31st August 2020

ગુજરાતમાં ભૂતકાળની ચૂંટણીમાં હારજીતનું (કારણ) મનોમંથન કરશે ભારતીય જનતા પાર્ટી

આગામી ચૂંટણીનો મુખ્ય એજન્ડા હશે મહત્તમ સીટો જીતવાનો અને હાર પાછળના કારણો શોધી ભુલ સુધારવાના થશે પ્રયત્નો

અમદાવાદઃ ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બીજી સપ્ટેમ્બરે  બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાતની 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો તથા હાર પામેલા ઉમેદવારોની સાથે ચર્ચા  કરાશે. બેઠકમાં દરેક હારેલી તથા જીતેલી બેઠક પાછળના કયા કારણો તથા પરિબળો જવાબદાર છે તે અંગે ઝીણામાં ઝીણી વિગતો મેળવીને તેનું પોસ્ટમોર્ટમ કરાશે. આ ચૂંટણીઓમાં ભાજપ ઉમેદવારને હરાવનારા તત્વોને શોધીને પાઠ ભણાવવામાં આવશે.

આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો કેવી રીતે હાંસલ કરી શકાય તે અંગેની વ્યૂહરચના નક્કી કરાશે. તેમાંય વળી આગામી દિવસોમાં ગુજરાતની 8 પેટાચૂંટણી યોજાવાની છે. તેમના માટે તેમના નેતુત્વમાં પ્રથમ ચૂંટણી હોવાથી આ તમામ બેઠકો હાંસલ કરવી તે એક તેમના માટે એક પડકાર છે. જેથી આ કવાયત અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાતમાં સૌથી વધુ બેઠકો 149  હાંસલ કરવાનો પૂર્વ મુખ્યમંત્રી માધવ સિંહ સોંલકીના નામે રેકોર્ડ છે. જે તેમણે 1985ની ચંટણીમાં નોંધાવ્યો હતો. આ રેકોર્ડને તોડવા માટે તત્કાલિન મુખ્યમંત્રી તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે. જેને સાકાર કરવા માટે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બીડું ઝડપ્યું છે. સૈરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જાહેરમાં જ કહ્યું હતું કે મને એક પણ બેઠક ઓછી નહીં ખપે, 181 બેઠક પણ મળશે તો હું રાજીનામું આપી દઇશ તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને લઇને તેમણે આ બેઠક યોજી છે. નોંધનીય છે કે  2002માં તત્કાલીન સીએમ ઉમેદવાર મોદીના નેતૃત્વમાં સૌથી વધુ 127 બેઠકો જીતી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તા.2 સપ્ટેમ્બર બુધવારે બપોરે 3.૦૦ કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપના ઉમેદવારો સાથે બેઠક યોજાશે.

પૂર્વ ધારાસભ્યોની બેઠક પૂર્વે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં આવતીકાલે 1લી સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પ્રદેશ મીડિયા ટીમ અને ડિબેટ પેનલના સભ્યોની સંયુક્ત બેઠક યોજાશે.

બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ચુંટણી પંચે કોરોનાની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન વચ્ચે યોજવાની લીલીઝંડી આપી દીધી છે. જેથી ગમે તે ઘડીએ ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજવાની મંજુરી આવી જવાની શક્યતા છે. તેની સાથે સંગઠનમાં ફેરફાર વગેરે કાર્યો કરવાના હોવાથી આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે.

(9:42 pm IST)