વલસાડ પંથકમાં લૂંટ ચલાવી વૃદ્ધનું ગળું દબાવી નરાધમોએ હત્યા કરી
વલસાડનાં ભૂતસર ગામે મોડીરાત્રીનાં સુમારે 3 લૂંટારુઓએ વૃદ્ધ દંપતીનાં ઘરમાં ત્રાટકી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમાં વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી દેવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
વલસાડ જિલ્લાનાં ધરમપુર રોડ પર આવેલ ભૂતસર ગામે રહેતા દીપસિંહ ભાઈ સોલંકી અને રમીલાબેન સોલંકીને ત્યાં મોડીરાત્રે 3 જેટલા લૂંટારુઓ ત્રાટકયા હતા. ઘરનાં પાછળનાં ભાગે આવેલ એક દરવાજો ખુલ્લો રહી જતા લૂંટારુઓ ઘરમાં આ દરવાજા મારફતે પ્રવેશ્યા હતા. જેને પગલે રમીલાબેન એ અવાજ કરતા લુંટારાઓએ તેમનું મોઢું દબાવ્યું હતું. જેને કારણે રમીલાબેન બેભાન થઇ ગયા હતા. લૂંટારુઓએ ઘરમાં રાખેલા દાગીના અને રમીલાબેને પહેરેલા દાગીના કાઢી લીધા હતા અને ઘરમાં મુકેલા રોકડની લૂંટ ચલાવી હતી. આશરે 13 તોલા દાગીના અને 85 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી ઘરમાં દંપતીને બંધ કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આજુબાજુનાં લોકોને બૂમો પાડી બોલાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા. જેમાં વૃદ્ધ મહિલા રમીલાબેન ભાનમાં ન આવતા 108 એમ્બ્યુલન્સ વડે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે રમીલાબેનને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી પોલીસની તમામ ટીમો એસઓજી એલ.સી.બી. લોકલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કાર્તિક બાવીશી દ્વારા