Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સુદાનમાં લશ્કરી શાસન સામે વિરોધ પ્રદર્શનમાં આંઠ લોકોના મોત

નવી દિલ્હી: સુદાનમાં લશ્કરી શાસનનો વિરોધ કરી રહેલાં નાગરિકો ઉપર પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એમાં આઠ નાગરિકોનાં મોત થયા હતા. અસંખ્ય નાગરિકો ઘાયલ થયા હતા. સુદાનના એક ડોક્ટરોના જૂથે ટ્વિટરમાં આ જાણકારી આપી હતી. સુદાનમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં લશ્કરે ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી દીધી હતી. લશ્કરી શાસન સામે ત્યારથી જ નાગરિકોમાં આક્રોશ છે. સૈન્ય અધિકારીઓ સત્તા મૂકીને ચૂંટણી કરાવે એવી માગણી સાથે વારંવાર પ્રદર્શનો થતા રહે છે. લોકશાહીની માગણી સાથે વિવિધ સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૃ કર્યું હતું. એમાં અસંખ્ય લોકો વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડયા હતા. સુદાનના પાટનગર ખાર્તૂમમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વખતે પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એમાં આઠ નાગરિકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે સિવાયના અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓ સત્તાના કેન્દ્ર સમાન રિપબ્લિકન પેલેસ સુધી પહોંચવાની કોશિશ કરતા હતા. વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા અને પોલીસ તેમ જ નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીઅર ગેસ છોડયો હતો તેના કારણે ભગદડ મચી ગઈ હતી. ઘાયલ થયેલા નાગરિકોની રાહત કામગીરીમાં સામેલ ડોક્ટરોના એક જૂથે ટ્વિટરમાં આ દાવો કર્યો હતો. સુદાનમાં વારંવાર લશ્કરી શાસન સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લાં મહિનાઓમાં અસંખ્ય લોકોએ લોકશાહી માટે જીવ ગુમાવ્યો છે.

(5:58 pm IST)