Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાઉદી અરબીસ્તાનનાં રણમાં ખોદકામ દરમ્યાન મંદિર મળી આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: સઉદી અરબીસ્તાનનાં રણમાં પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન અલ્-ફાઓ વિસ્તારમાં એક મંદિર તથા વેદી પણ મળી આવ્યાં છે. સાથે નવ પાષાણ યુગના અવશેષો પણ મળી આવ્યાં છે. આ અલ્-ફાઓ પ્રાચીન ''કીડા'' રાજ્યની રાજધાની હોવાનું પણ ત્યાંથી પ્રાપ્ત લખાણો ઉપરથી જાણવા મળ્યું છે.આ અલ્-ફાઓ નગર, અલ્-રબ-ખલી નામના રણના એક વિસ્તારનાં કિનારે આવેલું હતું. તે વાડી અલ્-દાવાસિરથી ૧૦૦ કિ.મી. દૂર દક્ષિણે આવેલું છે. સઉદી ગેઝેટ-કોમ. ડચ પ્રમાણે અલ્-ફાઓમાં સઉદી અરબ હેરિટેઝ કમીશન તરફથી એક મલ્ટી-નેશનલ ટીમ સર્વે કરવા ગઈ હતી. તેઓએ ત્યાં ઊંડો અભ્યાસ કર્યો તેમાં કેટલીએ ચીજો નીકળી આવી હતી. તેમાં સૌથી મહત્ત્વની શોધ તો એક સ્ટોન-ટેમ્પલ અને વેદીના કેટલાંક ભાગો છે. એવું મનાય છે કે, અલ્-ફાઓના લોકો અહીં ''અનુષ્ઠાન'' કરતા હશે. અલ્-ફાઓના પૂર્વના વિસ્તારમાં મળેલું પથ્થરનું મંદિર માઉન્ટ તુર્બકના એક કીનારા પર છે, જેને ખશેમ કારીયાદ કહેવામાં આવે છે. આ ઉપરાંત ત્યાંથી ૮,૦૦૦ વર્ષ પહેલાના નવ પાષાણ યુગની વસ્તીના અવશેષો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા સમયની ૨,૮૦૭ કબરો પણ મળી આવી છે. અલ્-ફાઓમાં જમીનની અંદર રહેલા કેટલાયે ધાર્મિક શિલાલેખો પણ મળી આવ્યાં છે. તેથી ત્યાંના નિવાસીઓની ધાર્મિક માન્યતા વિષે પણ જાણી શકાય તેમ છે. આ સર્ચમાં અલ્-ફાઓની ભૌગોલિક રચના વિષે પણ માહિતી મળી આવી છે. સાથે તેની જટિલ સિંચાઈ વ્યવસ્થા, નહેરો, પાણીના કુંડ તેમની ત્યાં સેંકડો ખાડા પણ મળી આવ્યા છે. જે દ્વારા પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવતું હશે તેમ માનવામાં આવે છે. દુનિયાના આ કઠોર રેગીસ્તાનમાં આ રીતે જળ-સંગ્રહ થતો હશે.

(5:48 pm IST)