Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કોરોનાને કારણે છેલ્લા ૨૮ દિવસથી કોમામાં જતી રહેલી નર્સને તેના સાથી-કર્મચારીઓએ વાયગ્રાની દવા આપીને ઉગારી

લંડન, તા.૪: કોરોનાને કારણે છેલ્લા ૨૮ દિવસથી કોમામાં જતી રહેલી નર્સને તેના સાથી-કર્મચારીઓએ વાયગ્રાની દવા આપીને ઉગારી હતી. ૩૭ વર્ષની મોનિકા અલ્મેડાના વેન્ટિલેટર બંધ થવાને માત્ર ૭૨ કલાક જ બાકી રહ્યા હતા ત્યારે તેના શરીરમાં ઓકિસજનનું સ્તર વધારવા માટે તબીબોને જાતીય ઉત્તેજના માટે વપરાતી દવાનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝયો હતો. બે બાળકોની માતા એવી આ નર્સનું ઓકિસજન-લેવલ અડધા કરતાં વધુ ઘટી ગયું હતું, પરંતુ પછી માત્ર એક સપ્તાહમાં જ તેની સ્થિતિમાં સુધારો થતાં તે પરિવાર સાથે ક્રિસમસ પણ ઊજવી શકી હતી. મોનિકાએ આ દવાનો ઉપયોગ કરનાર ડોકટરોની પ્રશંસા કરી હતી. મોનિકાની સારવાર કરનાર નર્સના જણાવ્યા પ્રમાણે કન્સલ્ટન્ટે જયારે વાયગ્રાનો ડોઝ આપ્યો હોવાનું જણાવ્યું તો તેને આશ્ચર્ય થયું હતું, પરંતુ ખરેખર તો તેને વાયગ્રાનો મોટો ડોઝ આપવામાં આવ્યો હતો.

મોનિકો પોતે પણ કોરોનાના દરદીઓની સારવાર કરતી હતી. ઓકટોબરમાં તેને કોરોના થયો હતો. હોસ્પિટલમાં તેને માત્ર થોડી દવા આપીને ઘરે મોકલવામાં આવી છે. જોકે ઘર પહોંચ્યાના બે કલાકમાં જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને પાછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ઓકિસજન-લેવલમાં સુધારો ન થતાં આઇસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દરમ્યાન ૧૬ નવેમ્બરે તે કોમામાં જતી રહી હતી. વળી તબિયત એટલી બગડી ગઈ હતી કે પોર્ટુગલમાં રહેતા તેના પેરન્ટ્સને પણ ઇંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખરાબ થતાં ડોકટરોએ કંઈક અલગ ટ્રીટમેન્ટ આપવાનો વિચાર કર્યો. અગાઉ પણ કેટલાક પેશન્ટ્સને લોહીની ધમનિઓને પહોળી કરવા માટે કેટલાક કોવિડ પેશન્ટ્સને વાયગ્રા આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકો પણ આ સંદર્ભે ટેસ્ટ કરી જ રહ્યા છે, જેમાં નાઇટ્રિક એસિડ લોહીમાં ઓકિસજનના સ્તરને વધારવાનું કામ કરે છે. વાયગ્રા આપવાના ૪૮ કલાકમાં જ ફેફસાંઓએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી હતી. હાલમાં મોનિકા પોતાના પતિ અને બે સંતાનો સાથે દ્યરમાં સાજી થઈ રહી છે. મોનિકા લોકોને બન્ને વેકિસન લેવાની સલાહ આપે છે જેને કારણે તેનો જીવ બચી ગયો હતો.

(9:58 am IST)