Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ઇરાનના લશ્કરે પાકિસ્તાનમાં ઘુસી રાતોરાત આતંકવાદીઓના કબ્જામાં રહેલ બે ગાર્ડ્સને મુક્ત કરાવ્યા

નવી દિલ્હી: ઈરાનના લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને રાતોરાત આતંકવાદીઓના કબજામાં રહેલા બે ગાર્ડ્સને મુક્ત કરાવ્યા હતા. પાક ઊંઘતું હતું ત્યારે ઈરાને ફિલ્મી સ્ટાઈલમાં દિલધડક ઓપરેશન પાર પાડયું હતું. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલે 2018માં ઈરાની સૈન્યના બે જવાનોનું અપહરણ કર્યું હતું. છેલ્લાં બે-અઢી વર્ષથી ઈરાની સૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડ્સના બે જવાનો આતંકવાદીઓના કબજામાં હતા. ઈરાને સૈન્યના જવાનોનું બરાબર પગેરું મેળવ્યું હતું અને પૂરતી માહિતી એકઠી થઈ પછી ફિલ્મી સ્ટાઈલમાં રાતોરાત પાકિસ્તાનમાં વટભેર ઘૂસીને આતંકવાદીઓના સકંજામાંથી બે ગાર્ડ્સને મુક્ત કરાવ્યા હતા. આ ફિલ્મી સ્ટાઈલના ઓપરેશન પછી રેવોલ્યુશનરી ગાર્ડ્સના સૂત્રોએ કહ્યું હતું કે ગુપ્તચર વિભાગે આપેલી માહિતીના આધારે આતંકવાદીઓનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું. એ પછી એ જગ્યાએ પૂરી શક્તિ સાથે છાપો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2018માં જૈશ-અલ-અદલે 2018માં 12 ઈરાની સૈનિકોના અપહરણ કર્યા હતા. એ પછી છ જવાનોને મુક્ત કરાયા હતા. ચાર સૈનિકોને પાકિસ્તાને મુક્ત કરાવ્યા હતા. બાકી સૈનિકોને ઈરાની સૈનિકોની વિશેષ ટૂકડીએ આ ઓપરેશનથી છોડાવી લીધા હતા.

(5:26 pm IST)