Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગર્લફ્રેન્ડને કારની ઉપર બાંધી યુવાને કર્યો 'ટ્રસ્ટ ડ્રાઇવ'નો સ્ટન્ટ

મોસ્કોની ટ્રાફિક પોલીસ માટે તો આ ડેન્જરસ સ્ટન્ટ હતો અને એને ધ્યાનમાં રાખીને પોલીસે સેર્ગીને ૭૫૦ રશિયન રૂબલ (અંદાજે ૭૬૪ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો

મોસ્કો, તા.૫: બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડનો કે ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડનો પોતાના પરનો ભરોસો જાણવા માટે ઘણી તરકીબો અજમાવે છે, પરંતુ રશિયામાં એક અનોખો અને વિવાદાસ્પદ કિસ્સો બની ગયો. પાટનગર મોસ્કોમાં સેર્ગી કોસેન્કો નામના એક યુવાને પોતાના પર ગર્લફ્રેન્ડને કેટલો ભરોસો છે એની ખાતરી કરવા ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધીને અને પોતાનો હાથ તેના હાથ સાથે બાંધી રાખીને એક હાથે કાર હંકારી હતી. સેર્ગીએ આને 'ટ્રસ્ટ ડ્રાઇવ' ગણાવી હતી. દ્યણા લોકો 'ટેસ્ટ ડ્રાઇવ' કરતા હોય છે, પણ આ ભાઈને તો 'ટ્રસ્ટ ડ્રાઇવ'નું ગાંડપણ ઊપડ્યું. તે કારને રસ્તા પરથી પૂરપાટ દોડાવી રહ્યો હતો ત્યારે આજુબાજુ ઊભેલા અનેક લોકોએ આ ડ્રામા જોયો હતો. એ તો ઠીક પણ સોશ્યલ મીડિયા ઉપર પ૦ લાખ ફોલોઅર્સ ધરાવતા સેર્ગીએ આખી ઘટનાનો વિડિયો ઉતરાવડાવ્યો હતો અને એને અપલોડ કરાવ્યો હતો.

જોકે મોસ્કોની ટ્રાફિક પોલીસ માટે તો આ ડેન્જરસ સ્ટન્ટ હતો અને એને ધ્યાનમાં રાખીને પોલીસે સેર્ગીને ૭૫૦ રશિયન રૂબલ (અંદાજે ૭૬૪ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો અને આ સ્ટન્ટ બાબતમાં વધુ તપાસ પણ શરૂ કરી હતી. સેર્ગીના આ સ્ટન્ટથી અનેક નેટિઝન્સ સ્તબ્ધ થઈ ગયા છે. સેર્ગીની ખૂબ ટીકા થઈ હતી. એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું છે, 'અરે ભાઈ, આવું કયારેય ન કરાય. તેં છોકરીની જિંદગી જોખમમાં મૂકી દીધી હતી. બાળકો પણ વિડિયો જોતાં હોય છે અને નકલ કરતાં હોય છે એટલે તેં તેમના માટે પણ ખરાબ ઉદાહરણ આપ્યું. મને એ નથી સમજાતું કે તને આમાં મોજ કરવા જેવું અને તારી ગર્લફ્રેન્ડની કસોટી કરવા જેવું કે તેની પાસે સાબિત કરવા જેવું શું લાગ્યું?'

(3:24 pm IST)