Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમેરિકામાં ભૂંડનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરેલ દર્દીના શરીરમાં મળી આવ્યા હતા એનિમલ વાયરસ

નવી દિલ્હી: અમેરિકાના મેરિલેન્ડમાં ૫૭ વર્ષના ડેવિડ બેનેટના શરીરમાં ભૂંડનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જોકે, ઓપરેશન સફળ થયું ન હતું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી દર્દીનું મૃત્યુ થયું હતું. એ તબીબી પ્રયોગ બાબતે નવો અહેવાલ આવ્યો છે. દર્દીના શરીરમાં એનિમલ વાયરલ જોવા મળ્યો હતો. અમેરિકાના તબીબોએ ૫૭ વર્ષના હાર્ટ પેશન્ટ ડેવિડ બેનેટના શરીરમાં ભૂંડનું હૃદય બેસાડયું હતું. હૃદયની ગંભીર બીમારી ધરાવતા ડેવિડનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન જાન્યુઆરી માસમાં કરાયું હતું. જોકે, બે મહિના પછી માર્ચમાં ડેવિડનું મૃત્યુ થયું હતું. એ વખતે તબીબોએ દર્દીના મૃત્યુનું સ્પષ્ટ કારણ જાહેર કર્યંગ ન હતું. હવે તેની વિવિધ મેડિકલ તપાસ પછી ડોક્ટરોએ જાણ્યું હતું કે દર્દીના શરીરમાંથી એક એનિમલ વાયરસ મળી આવ્યો હતો. ભૂંડના હૃદયમાંથી રહસ્યમય વાયરલ ડીએનએ મળી આવ્યું હતું. હાર્ડ ટ્રાન્સપ્લાન્ટ વખતે એવું કોઈ ડીએનએ જોવા મળ્યું ન હતું, પરંતુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના મહિના પછી એ વાયરલ ડીએનએ દર્દીના શરીરમાં આકાર પામ્યું હોવાની શક્યતા છે. મેરિલેન્ડ યુનિવર્સિટીના મેડિસીન વિભાગના તબીબોએ કહ્યું હતું કે મૃત્યુ પહેલાંના થોડા દિવસથી ડેવિડની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. તેના શરીરમાં તકલીફો વધવા લાગી હતી, પરંતુ તેનું કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું હતું. મહિના-દોઢ મહિનાના સંશોધન પછી આખરે મેડિકલ એક્સપર્ટ્સે શોધી કાઢ્યું હતું કે દર્દીના શરીરમાં એનિમલ વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. એ વાયરસ ભૂંડના હૃદયમાંથી આકાર પામ્યો હતો. ભૂંડના હૃદયમાં વાયરલ ડીએનએની હાજરી જોવા મળી હતી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે પ્રાણીમાંથી માણસમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ વખતે સૌથી વધુ ખતરો નવા એનિમલ વાયરસનો જ રહે છે. માણસમાં શરીરમાં પ્રાણીનું અંગ બેસાડવામાં આવે તે પછી નવા એનિમલ વાયરસનો જન્મ થતો હોય છે. એ વાયરસ જે તે પ્રાણીના શરીરમાં તે વખતે હોતો નથી, પરંતુ માણસના શરીરમાં આવ્યા પછી તેનો ઉદ્ભવ થાય છે.

 

(6:08 pm IST)