Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

તો આ કારણોસર સાઉદી મહિલાઓ અપનાવી રહી છે બોયકટ હેરસ્ટાઇલ

નવી દિલ્હી: સાઉદી અરેબિયા મહિલાઓ પ્રત્યે રૂઢિવાદી વિચારોથી ઉપર ઊઠી ચૂક્યું છે. મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા તમામ પગલાં ભરાઇ ચૂક્યાં છે જેમની અસર ત્યાંના સમાજમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. સાઉદીની મહિલાઓ હવે કાર ચલાવવાથી માંડીને પ્લેન ઉડાવવા સહિતની જવાબદારીઓ સંભાળી રહી છે. દુનિયા સાથે તાલ મિલાવવાના અધિકાર મળ્યા બાદ તેમની રહેણીકરણી પણ બદલાઇ છે. એક મોટું પરિવર્તન હિજાબની અનિવાર્યતા દૂર કરાતા સામે આવ્યું છે. વર્કિંગ વિમેનમાં બોયકટ વાળ રાખવાનો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. આજકાલ રિયાધના માર્ગો પર વર્કિંગ વિમેન બોયકટ હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે. યુવતીઓમાં પણ આ હેરસ્ટાઇલ ઘણી લોકપ્રિય બની રહી છે. વ્યવસાયે ડૉક્ટર શમાએ (નામ બદલ્યું છે) જણાવ્યું કે, એક સમયે મારા વાળ ખભા સુધી લાંબા હતા. રિયાધની હોસ્પિટલમાં નોકરી શરૂ કરી તો વાળ કપાવવાનું નક્કી કર્યું. મોટી સંખ્યામાં મહિલાઓ નોકરી કે વ્યવસાય કરી રહી છે. લાંબા વાળની સારસંભાળ લેવી મુશ્કેલ બની રહ્યું હતું. કામ દરમિયાન બોયકટ લુક પુરુષોના ઘૂરવાથી પણ બચાવે છે, જેથી હું દર્દીઓ પર ધ્યાન આપી શકું છું. આવી હેરસ્ટાઇલ કામ પર ધ્યાન આપવા માટે ઘણી મદદરૂપ છે. સેન્ટ્રલ રિયાધની એક હેરડ્રેસરે જણાવ્યું કે મહિલાઓમાં બોયકટ વાળનું ચલણ વધ્યું છે. મારે ત્યાં રોજ સરેરાશ 30 મહિલાઓ હેરકટ માટે આવે છે, જેમાંથી 8 બોયકટ વાળ કરાવવા ઇચ્છતી હોય છે.

(6:47 pm IST)