Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કેનેડા સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન

અભ્‍યાસ અને કામને લઇને જાણો મહત્‍વની વાત : વિદેશમાં અભ્‍યાસક્રમ શરૂ થાય તે પહેલા કામ કરવાનું શરૂ ન કરવા જણાવ્‍યું

ટોરેન્‍ટો,તા. ૭ : કેનેડિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેમને વિદેશમાં અભ્‍યાસક્રમ શરૂ થાય તે પહેલાં કામ કરવાનું શરૂ ન કરવા જણાવ્‍યું છે તાજેતરની ટ્‍વીટમાં કેનેડાના હાઈ કમિશને કહ્યું હતું કે, ‘તમે માત્ર ત્‍યારે જ કામ કરવાનું શરૂ કરી શકો છો, જયારે તમારો અભ્‍યાસ કાર્યક્રમ શરૂ થઈ જાય.'

વધુમાં આ શિયાળામાં કેનેડા જતા વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશતાની સાથેજ વેરીફીકેશનમાંથી પસાર થવું પડશે બોર્ડર સર્વિસ ઓફિસર તેમના દસ્‍તાવેજોની ચકાસણી કરશે. ઓફિશિયલ ટ્‍વીટમાં લખ્‍યું છે કે ‘તમારા DLIએ તમને મોડા આવવાની મંજૂરી આપી છે અથવા તમને ડેફેરલ મળેલ છે તે બતાવવા માટે તૈયાર રહો.'

વિદ્યાર્થીઓએ ધ્‍યાન રાખવાની જરૂર છે કે જયારે અમુક અભ્‍યાસ તમને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપે છે, ત્‍યારે તમે ત્‍યાં ફક્‍ત ત્‍યારે જ કામ કરવાનું શરૂ કરી શકો છો, જયારે તમારો અભ્‍યાસ કાર્યક્રમ શરૂ થયો હોય, તે પહેલાં નહીં

વિદેશમાં સ્‍ટડી વિઝા માટે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ નકલી દસ્‍તાવેજો સબમિટ કર્યા હોવાનું જાણવા મળ્‍યા બાદ આ નોટિસ આવી છે.

આ દરમિયાન, તાજેતરમાં ભારતીયો અને ખાસ કરીને હિંદુઓ તરફ દ્વેષ રાખીને થતા ગુનાઓમાં વધારો થયા પછી ભારત સરકારે પણ કેનેડામાં અભ્‍યાસ કરતા અને રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

‘કેનેડામાં હેટ ક્રાઇમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓની ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે' એમ જણાવતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસની ઓફિશિયલ વેબસાઇટ્‍સ પર રજીસ્‍ટર કરવા જણાવ્‍યું છે. જેથી કોઈપણ ઈમરજન્‍સીના કિસ્‍સામાં સરકાર સાથે સૌથી ઝડપી સંપર્ક થઇ શકે.

ભારતે રવિવારે કેનેડાના બ્રેમ્‍પટનમાં શ્નશ્રી ભગવદ ગીતાઙ્ખનામના તાજેતરમાં અનાવરણ કરાયેલ પાર્કમાં તોડફોડની નિંદા કરી હતી અને અધિકારીઓને આ ગુનાના ગુનેગારો સામે તપાસ કરવા અને તાત્‍કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી. બ્રેમ્‍પટનના મેયર પેટ્રિક બ્રાઉને રવિવારે પાર્કમાં તોડફોડની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કેનેડા આવા હુમલાઓ માટે ‘ઝીરો ટોલરન્‍સ' વલણ ધરાવે છે.

વિદેશમાં અભ્‍યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા ટોપ ચોઈસમાંથી એક છે. દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્‍યાસ કરવા જાય છે. ૨૦૧૯માં ૫.૮૬ લાખથી વધુ ભારતીયો અભ્‍યાસ માટે વિદેશ ગયા હતા.

જૂન ૨૦૨૨ સુધીમાં ૨.૪૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્‍યાસ માટે જઈ ચૂક્‍યા છે. સરકારી ડેટા મુજબ, યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્‍ટ્રેલિયા જેવા પોપ્‍યુલર દેશ ઉપરાંત, જર્મની, ફિલિપાઇન્‍સ, રશિયા અને સિંગાપોર સહિતના નવા સ્‍થાનો ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીના અભ્‍યાસ કેન્‍દ્રો તરીકે ઉભરી રહ્યા છે.

(10:47 am IST)