Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સૌથી નાની વયે અક્કલદાઢ કઢાવીને રેકોર્ડ કર્યો

અગાઉનો સૌથી નાની વયે દાઢ કઢાવવાનો રેકોર્ડ ૨૦ વર્ષ પહેલાં મેથ્‍યુ એડમ્‍સના નામે હતો

ન્‍યુયોર્ક, તા.૭: અમેરિકામાં રાયન સ્‍કારપેલીએ સૌથી નાની વયે અક્કલદાઢ કઢાવ્‍યાનો ૨૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્‍યો છે. હાલમાં રાયનની ઉંમર ૯ વર્ષ અને ૩૨૭ દિવસ છે. અગાઉનો સૌથી નાની વયે દાઢ કઢાવવાનો રેકૉર્ડ ૨૦ વર્ષ પહેલાં મૅથ્‍યુ ઍડમ્‍સના નામે હતો, જેણે ૨૦૦૨માં ૯ વર્ષ ૩૩૯ દિવસની વયે તેની નીચેની બે અક્કલદાઢ કઢાવી હતી.અક્કલદાઢ મોઢાના બે દાઢના દાંતની પાછળ હોય છે. આ દાઢ છેલ્લા કાયમી દાંત છે જે સામાન્‍ય રીતે વ્‍યક્‍તિની કિશોરાવસ્‍થાના અંતમાં અથવા વીસીની શરૂઆતમાં આવે છે.રાયનની અક્કલદાઢ સૌપ્રથમ એપ્રિલ ૨૦૨૧માં ધ્‍યાનમાં આવી હતી. 3D એક્‍સ-રેમાં જોવા મળ્‍યું હતું કે રાયનના મોઢા પર ડાબી બાજુએ એક અક્કલદાઢ અને દાઢ એકમેકની ઉપર વધી રહી હોવાથી ડેન્‍ટિસ્‍ટે એને કઢાવવાની સલાહ આપી હતી. ૨૦૨૧ની ૨૭ જુલાઈએ જ્‍યારે તેની અક્કલદાઢ કઢાવવામાં આવી ત્‍યારે તેને જાણ નહોતી કે અક્કલદાઢ કઢાવનાર તે વિશ્વની સૌથી નાની વયની વ્‍યક્‍તિ છે. રાયને તેની અક્કલદાઢ કઢાવી ત્‍યાં સુધી તેના બધા દૂધિયા દાંત પડ્‍યા નહોતા. તેનો છેલ્લો દૂધિયો દાંત ૨૦૨૨ના ઉનાળામાં પડ્‍યો હતો. દાઢ કઢાવ્‍યાની વેદના વચ્‍ચે પણ રાયનને ગિનેસ રેકૉર્ડ બનાવ્‍યાની ખુશી હતી. સૌથી મોટી વયે અક્કલદાઢ આવ્‍યાનો રેકૉર્ડ રૉબર્ટ ડબ્‍લ્‍યુ ગ્રે (યુએસએ)ના નામે છે, જેને ૨૦૧૭ની ૨૩ ઑગસ્‍ટે ૯૪ વર્ષ અને ૨૫૩ દિવસે અક્કલદાઢ ઊગ્‍યાની જાણ થઈ હતી.

 

(4:19 pm IST)