Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પાકિસ્તાનમાં બરફનો આનંદ લેવા ગયેલ પર્યટકો કારમાં જ ફસાઈ ગયા

નવી દિલ્હી: પાકિસ્તાનની પીર પંજાલ રેન્જ ખાતે સ્થિત મુર્રીમાં શનિવારે બરફમાં ફસાયેલી ગાડીઓમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આ ઘટનાને અનુસંધાને મુર્રી ટાઉનને ડિઝાસ્ટર અફેક્ટેડ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુર્રી ટાઉન એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન છે. ત્યાં બરફવર્ષાનો આનંદ માણવા માટે પર્યટકોની ભારે ભીડ ઉમટી રહી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રાશિદ અહમદના કહેવા પ્રમાણે પર્યટકો એટલી મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા કે, સંકટ સર્જાયું. શેખ રાશિદ અહમદે જણાવ્યું કે, રાવલપિંડી અને ઈસ્લામાબાદ પ્રશાસન પોલીસ સાથે મળીને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાની સેનાની 5 પ્લાટૂનની સાથે સાથે રેન્જર્સ અને ફ્રન્ટિયર કોરને પણ ઈમરજન્સીના આધાર પર બોલાવવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે, આશરે 1,000 ગાડીઓ હિલ સ્ટેશન પર ફસાઈ હતી અને 16થી 19 જેટલા લોકોના મોત થયા છે. મુર્રીના સ્થાનિક રહેવાસીઓએ પર્યટકોને ભોજન અને ધાબળા ઉપલબ્ધ કરાવ્યા હતા. પ્રશાસને હિલ સ્ટેશનના તમામ માર્ગો બંધ કરી દીધા છે અને સહાય માટે જઈ રહેલા વાહનોને જ મંજૂરી અપાઈ રહી છે. 

બુજદારના મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે ત્યાં ફસાયેલા પર્યટકોને બચાવવા તે સર્વોચ્ય પ્રાથમિકતા છે. આ માટે વિશ્રામ ગૃહો અને અન્ય સ્થળો ખોલી દેવામાં આવ્યા છે. એક રાત પહેલા જ તે વિસ્તારમાંથી 23,000 કરતાં વધારે ગાડીઓ ખાલી કરાવાઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 

 

(5:27 pm IST)