Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

અફઘાનિસ્તાનમાં એક વાન ખીણમાં ખાબકતા 24 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અફધાનિસ્તાનમાં બે મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે જેમાં ડ્રાઈવરની બેદરકારીને કારણે એક વાન ખીણમાં ખાબકતા 24 લોકોના મોત થયા હતા જ્યારે બીજી ઘટનામાં એક ભયંકર બોબ્મ વિસ્ફોટ થતા તેમા તાલિબાનના ડેપ્યુટી ગવર્નરનું મોત થયુ હતું અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનમાં ગઈકાલે એક વાન ખીણમાં પડી જતા 8 બાળકો અને 12 મહિલાઓ સહિત 24 લોકોના મોત થયા છે. આ ઘટના સર-એ-પોલ પ્રાંતમાં બની હોવાની માહિતી મળી રહી છે. પોલીસના પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ જણાવ્યું હતું કે ડ્રાઇવરની બેદરકારીને કારણે વાન રોડ પરથી ખીણમાં ખાબકી હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં રસ્તાઓની ખરાબ હાલતને કારણે દરરોજ અકસ્માતની ઘટના બને છે. પ્રાંતીય રાજધાની ફૈઝાબાદમાં કાર બોમ્બ વિસ્ફોટમાં બદખ્શાન પ્રાંતના તાલિબાનના કાર્યવાહક ડેપ્યુટી ગવર્નર મૌલવી નિસાર અહમદ અહમદીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મંગળવારે સવારે બની હતી. તાલિબાન શાસિત બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌજુદ્દીન અહમદીના જણાવ્યા અનુસાર વિસ્ફોટકોથી ભરેલા વાહને ફૈઝાબાદના મહાકમા પ્લાઝા ખાતે ડેપ્યુટી ગવર્નરના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. અહમદીના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બરે બદખ્શાનના નાયબ અને કાર્યકારી મંત્રી મૌલવી અહમદ અહમદીની સામે વાહનમાં પ્રચંડ વિસ્ફોટ કર્યો જેમાં નાયબ ગવર્નર અને તેમના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. બોમ્બ વિસ્ફોટમાં આસપાસના કેટલાક લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે અમે ભયંકર વિસ્ફોટનો આવાજ સાંભળ્યો હતો.

 

(5:59 pm IST)