Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

છાતીમાં થતો હતો દુઃખાવોઃ હાર્ટએટેકને બદલે નીકળ્યો સિમેન્ટનો ટુકડો!!!

યુકેમાં એક ૫૬ વર્ષીય દર્દીને ચેસ્ટ પેઈન બાદ ટેસ્ટ કરાતા ડોકટરો પણ ચકરી ખાઈ ગયા

લંડન, તા.૮: ઘણી વખત આવું થાય છે. જ્યારે છાતીમાં દુઃખાવો થાય ત્યારે તેની તપાસ કરવામાં આવે છે. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૫૬ વર્ષીય વ્યકિતને છાતીમાં દુખાવો થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોકટરોની ટીમે જ્યારે વ્યકિતની તપાસ કરી ત્યારે એક ખૂબ જ ડરામણી વાત બહાર આવી. સિમેન્ટનો એક તીક્ષ્ણ અને મોટો ટુકડો માણસના હૃદયમાં અટવાયેલો દેખાયો.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફો મેડિસિનના સંશોધન પત્રમાં એક કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આ વ્યકિત યુરોપની છે. જ્યારે તેને છાતીમાં તીવ્ર દુખાવો લાગ્યો ત્યારે તે ડોકટર પાસે પહોંચ્યો હતો. ડોકટરોએ તેની નિદાન કરી જરૂરી રિપોર્ટ કઢાવવા માટે કહ્યું જેવો રિપોર્ટ આવતાંની સાથે ડોકટરોએ તેને તાત્કાલિત મોટી હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ત્યાં પણ તેની તપાસ કરવામાં આવી હતી જ્યાં તપાસ બાદ ડોકટરો પણ ભારે આશ્ચર્યમાં મુકાયા હતાં

ડોકટરોની ટીમને જાણવા મળ્યું કે, એક વિચિત્ર વસ્તુ માણસના હ્રદય અને ફેફસાં વચ્ચે અટવાી છે. ફેફસાની નજીકથી હ્રદયને ફાડી નાખતી આ તીક્ષ્ણ વસ્તુ સિમેન્ટનો ટુકડો છે. આ કારણે વ્યકિતના હ્રદયમાં  એક છિદ્ર રચાયું હતું. તે પછી નક્કી થયું કે, આ માટે તે વ્યકિતની સર્જરી કરવામાં આવશે તે એક જટિલ પ્રક્રિયા પછી માણસના હ્રદયમાંથી દૂર કરવામાં આવી હતી.

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ટુકડો ત્યાં કેવી રીતે પહોંચ્યો. આ વ્યકિતને ઓસ્ટીયોપોરોસિસના કારણે તેના શરીરમાં કરોડરજ્જુમાં ફ્રેકચર થયું હતું. આ સમસ્યાને સુધારવા માટે, ડોકટરોએ થોડા સમય પહેલા કીફોપ્લાસ્ટી કરી હતી. આમાં કરોડરજ્જુમાં એક ખાસ પ્રકારનું સિમેન્ટ નાખવામાં આવે છે, જેથી હાડકા પહેલાની સમાન લંબાઈના બને છે.આ કિસ્સામાં, સિમેન્ટનો ટુકડો બહાર આવ્યો અને નસોમાં ગયો. આ તીક્ષ્ણ ટુકડો, લગભગ દસ સેમી લાંબો, નસોમાંથી પસાર થઈને વ્યકિતના હૃદયની દિવાલમાં પ્રવેશ્યો અને ફેફસાંને પણ વીંધી નાખ્યો. આ જ કારણ હતું કે વ્યકિતને તેની છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી.

(3:53 pm IST)