Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

યુક્રેનના યુદ્ધના કારણોસર 1.6 અબજ લોકો પર ભૂખમરાનું સંકટ

નવી દિલ્હી: યુક્રેનના યુદ્ધને કારણે વિશ્વના 94 દેશોમાં સંકટ સર્જાયું છે અને કુલ 1.6 અબજ લોકો હેરાન થયા છે. સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્રાઈસિસ રિસ્પોન્સ ગ્રુપમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરના લોકો પૈસા, ખાદ્યપદાર્થો અને ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. 8મી જૂને પ્રકાશિત થયેલા આ અહેવાલમાં ખાદ્યપદાર્થો અને ઈંધણની કિંમતો પર નિયંત્રણ રાખવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓ અને આર્થિક સહયોગ વધારવાની પણ વાત કરવામાં આવી છે જેથી નબળા વર્ગના લોકોને મદદ કરી શકાય. આટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, સમય ઓછો છે અને ખાદ્યપદાર્થોની કટોકટી સૌથી મોટી છે. અહેવાલમાં જણાવ્યા આનુસાર, 2023માં ખાદ્યપદાર્થોની મોટી કટોકટી ઊભી થઈ શકે છે. જો આવી સ્થિતિ જોવા મળશે તો લોકો માટે ખોરાકની અછત સર્જાશે અને ખોરાકની ઉપલબ્ધતા ઘટી જશે. જો યુદ્ધ ચાલુ રહેશે તો આવતા વર્ષે કટોકટીની સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે જ ઘઉં, મકાઈ અને શાકભાજી સહિત અનેક ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે.  લગભગ 2 અબજ લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. આ આંકડો ખૂબ મોટો છે. યુક્રેન વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશોમાંથી એક છે. UN સેક્રેટરી એન્ટોનિયો ગુટારેસે કહ્યું હતું કે, યુક્રેન સંકટવિશ્વવ્યાપી સંકટ તરફ દોરી શકે છે. આ સંકટ કોઈપણ દેશ અથવા લોકો માટે મુશ્કેલ સમાન બનશે. તેમણે કહ્યું હતું કે, યુક્રેન અને રશિયા યુદ્ધને 3 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને હવે લોકોને નવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરના લોકો ભૂખમરાની કટોકટીનો સામનો કરી રહ્યા છે.

 

(6:39 pm IST)