Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ન્યુયોર્ક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગઃ ૯ બાળકો સહિત ૧૯ લોકોની મોત

મેયર એરિક એડમ્સે કહ્યુ કે, ન્યુયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે

ન્યુયોર્ક,તા. ૧૦ : અમેરિકાના ન્યૂયોર્કથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે બ્રોન્કસમાં એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૯ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની  ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલુ છે. આ ઘટનાને ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે.

સીએનએનના રિપોર્ટ અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્ક સિટી માટે આ ખૂબ જ ભયાનક અને દુઃખદ ક્ષણ છે. આગની આ ઘટના આ શહેરને સતત પરેશાન કરતી રહેશે. તેમણે કહ્યું કે આગમાં મોટી સંખ્યામાં લોકો દાઝયા છે. ૩૨ લોકોની હાલત ગંભીર છે જેમની સારવાર ચાલી રહી છે.

આગ બ્રોન્કસ પ્રાણીસંગ્રહાલયની પશ્ચિમમાં ૧૯ માળની ઇમારતમાં લાગી હતી. આગ સવારે ૧૧ વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળેથી ફેલાઈ હતી. મેયરે કહ્યું કે, આ આગને ન્યૂયોર્કમાં સૌથી ભયાનક અકસ્માતોમાં ગણવામાં આવશે. આ દેશની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ૨૦૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ દર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, આગથી ઘેરાયેલા લોકો મદદ માટે તેમના ફ્લોર પરથી હાથ હલાવતા રહ્યા. તેઓ આગની જવાળાઓમાં ખરાબ રીતે લપેટાઈ ગયા હતા. એએફપીના અહેવાલ અનુસાર, બિલ્ડિંગની નજીક રહેતા જયોર્જ કિંગે કહ્યું કે, ત્યાંના લોકોમા અફરાતફરીનો માહોલ થયો હતો. તેમણે કહ્યું, 'હું અહીં ૧૫ વર્ષથી છું અને મેં પહેલીવાર આવી ઘટના જોઈ છે. મેં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોયો. મોટી સંખ્યામાં લોકો મદદ માંગી રહ્યા હતા. લોકો બારીમાંથી હાથ હલાવતા હતા.

નોંધનીય છે કે, ગત ઓકટોબર મહિનામાં દક્ષિણ તાઇવાનમાં ૧૩ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૨૫ લોકોના મોત થયા હતા અને અનેક અન્ય ઘાયલ થયા હતા. કાઓશુંગ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગ સવારે ૩ વાગ્યાની આસપાસ લાગી હતી. ફાયર વિભાગના નિવેદન અનુસાર, આગ અત્યંત ગંભીર હતી અને આગના કારણે બિલ્ડિંગના ફ્લોર બળીને ખાખ થઈ ગયા હતા.

(10:20 am IST)