Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રશિયાના સ્પેસ કાર્ગો શીપમાં વિસ્ફોટ થતા અરેરાટી

નવી દિલ્હી: અંતરિક્ષમાંથી પરત આવતી વખતે રશિયાના સ્પેસ કાર્ગો શિપમાં વિસ્ફોટ થયો હતો અને તે અગ્નિના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ કાર્ગો શિપ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેલા એસ્ટ્રોનોટ્સ માટે ભોજન અને વૈજ્ઞાનિક ઉપકરણો લઈને ગયું હતું. ત્યાર બાદ 8 ફેબ્રુઆરીના રોજ તે પૃથ્વી પર પરત આવવા નીકળ્યું હતું પરંતુ 9 ફેબ્રુઆરીના રોજ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ બાદ તેમાં વિસ્ફોટ થયો હતો. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ દ્વારા આ ઘટનાની પૃષ્ટિ કરવામાં આવી છે.

            રોસકોસમોસના અહેવાલ પ્રમાણે તેમનું કાર્ગો સ્પેસ શિપ પ્રોગ્રેસ 76P MS-15 ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યું હતું પરંતુ ત્યાર બાદ ધરતીના વાયુમંડળમાં પ્રવેશતા જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને તેના ટુકડા થઈ ગયા હતા. આ પ્રકારના સ્પેસ કાર્ગો શિપને સ્પેસ ટ્રક પણ કહેવામાં આવે છે. રશિયાએ પ્રોગ્રેસ સ્પેસ કાર્ગો શિપ 76P MS-15ને 23 જુલાઈ 2020ના રોજ કઝાકિસ્તાનના બૈકોનૂર કોસ્મોડ્રોમ ખાતેથી લોન્ચ કર્યું હતું. લોન્ચિંગના 3 કલાક 18 મિનિટ અને 31 સેકન્ડ બાદ તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું હતું અને તે એક રૂટિન કાર્ગો ડિલિવરી હતી. તેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 2.5 ટન જેટલો સામાન હતો.

(5:25 pm IST)