Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રહસ્યમય રીતે લોહી જેવી લાલ થઈ ગઈ રશિયાની નદીઃ લોકોમાં ભય

રશિયાના કેમોરેવ શહેરમાંથી પસાર થતી ઈસ્કિતિમ્કા નદીનું પાણી એકાએક લોહી જેવું લાલ થઈ જતા લોકો જ નહીં, પશુ-પક્ષીઓ પણ નદીએ આવતા ડરી રહ્યાં છે

મોસ્કો, તા.૧૦: રશિયાની એક નદીના પાણીનો રંગ લોહી જેવો લાલ થઈ ગયો છે. તેને પગલે સ્થાનિક લોકોમાં આશ્યર્યની સાથે ભય ફેલાઈ ગયો છે. આ નદીનું નામ છે ઈસ્કિતિમ્કા. માનવામાં આવી રહ્યું છે કે, કોઈ પ્રદૂષણના કારણે આ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો છે. આ નદી રશિયાના દક્ષિણ ભાગમાં કેમોરેવ શહેરમાંથી પસાર થાય છે.

ડેલી મેઈલના અહેવાલ મુજબ, પાણીનો લાલ રંગ જોઈને સ્થાનિક લોકો જ નહીં, પશુ-પક્ષીઓ પણ અહીં આવતા ખચકાઈ રહ્યા છે. આ નદીમાં ઘણા બતકો સામાન્ય દિવસોમાં જોવા મળે છે, પરંતુ નદીનું પાણી લાલ થયું ત્યારથી બતકો પણ અહીં દેખાતા બંધ થઈ ગયા છે. તો, સ્થાનિક રિપોર્ટ મુજબ, કેમેરેવો ક્ષેત્રના લોકોનું કહેવું છે કે, આ લાલ રંગનું પાણી એક બ્લોક ડ્રેનેજમાંથી આવી રહ્યું છે અને આ સમસ્યા દૂર કરવા વહીવટી તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આખરે કયા કેમિકલના કારણે નદીનો રંગ લોહી જેવો લાલ થઈ ગયો છે. તે ઉપરાંત એ પણ જાણવા નથી મળ્યું કે, આ લાલ પાણીથી મનુષ્યના સ્વાસ્થ્ય પર શું અસર પડી શકે છે.

જોકે, આ પહેલી વખત નથી કે, રશિયાની કોઈ નદીનો રંગ લાલ થયો હોય. તાજેતરમાં જ પશ્યિમ રશિયામાં પણ નારો-ફોમિંસ્ક નામની નદી પણ એક કેમિકલ રીલિઝના કારણે લાલ થઈ ગઈ હતી. થોડા સમય પહેલા વોજદેન્યા નદીનો રંગ પણ લાલ થઈ ગયો હતો. કેટલાક લોકો આ રીતે નદીના પાણીનો રંગ બદલાઈ જવાની ઘટનાને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ દ્યણી નદીઓ તેનું મૂળ સ્વરૂપ અને નિર્મળતા ગુમાવી ચૂકી છે અને તેનું કારણ ગ્લોબલ વોર્મિંગની સાથે-સાથે ઔદ્યોગિક પ્રદૂષણ જ છે. ઔદ્યોગિક પ્રદૂષણે તો ભારતની ગંગા જેવી પવિત્ર નદીને પણ પ્રદૂષિત કરી દીધી છે અને યમુના નદી તો ગટર જ બની ગઈ છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. જોકે, ભારતમાં હજુ સુધી આખી નદીનું પાણી લાલ થઈ ગયું હોય તેવી ઘટના નોંધાઈ નથી. હા, કેમિકલના કારણે પાણીનો રંગ થોડો સમય બદલાયો હોય તેવું બન્યું છે ખરું.

(11:23 am IST)