Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

બ્રિટનના હવામાન વિભાગે ચાર દિવસ વધુ ગરમીની ચેતવણી આપી

નવી દિલ્હી: બ્રિટનના હવામાન વિભાગે ચાર દિવસ તીવ્ર ગરમી પડવાની ચેતવણી આપી છે. બ્રિટન ચાલુ સપ્તાહમાં પાણીની તંગી વચ્ચે વધુ એક હીટવેવ તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાય મહિને પણ બ્રિટનમાં વિક્રમજનક ઉંચુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે દક્ષિણ ઇંગ્લેન્ડના અડધા ભાગ અને પૂર્વ વેલ્સ માટે ચેતવણી જારી કરી છે. આ ચેતવણી ગુરૃવારથી રવિવાર સુધી એમ કુલ ચાર દિવસ માટે આપવામાં આવી છે. હીટવેવને પગલે આરોગ્ય, ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાન ૩૦ થી ૪૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળશે. જો કે ઓગસ્ટમાં જુલાઇની જેમ વિક્રમજનક તાપમાન જોવા મળશે નહીં. હવામાનવિભાગના ડેપ્યુટી ચીફ મેટ્રોલોજિસ્ટના ડેન રુડમેનના જણાવ્યા અનુસાર શુક્રવાર અને શનિવારે તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ અને રવિવારે ૩૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે.જ્યારે અન્ય ભાગોમાં તાપમાન ૨૦થી ૩૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જોવા મળશે.દક્ષિણના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું જોવા મળશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કે ગયા મહિનાની જેમ ચાલુ સપ્તાહમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ કરશે નહીં. હવામાન વિભાગે એકલા રહેતા વૃદ્ધો અને બિમાર લોકોને ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.

 

(6:30 pm IST)