Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બેલ્જીયમમાં એક મહિલાને કોરોનાના બે જુદા જુદા વેરિયેન્ટનો ચેપ લાગતા પાંચમા દિવસે મોત

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા નવા વેરીયેંટ સમગ્ર વિશ્વમાં વાયુવેગે ફેલાય રહ્યા છે. બેલ્જિયમમાં, એક મહિલાને બે જુદા જુદા વેરીયેંટનો ચેપ લાગ્યો હતો અને પાંચમાં દિવસે આ મહિલાનું મોત નીપજ્યું હતું. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી સંશોધનકારોની ચિંતા વધી ગઈ છે. સંશોધનકારો કહે છે કે, આવા કિસ્સાઓથી કોરોના સામેંની લડતમાં મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

આ મહિલાનો કોરોના ટેસ્ટ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં મહિલાનું ઓક્સિજનનું સ્તર સારું હતું પરંતુ ત્યારબાદ તેની તબિયત ઝડપથી બગડી હતી, અને પાંચમાં દિવસે મહિલાનું મોત નીપજ્યું હતું. આ અહેવાલમાં જણાવાયું છે કે, કોરોનાના વેરીયેન્ટથી બચવા માટે રસી મેળવવી કેટલું મહત્વનું છે.

જ્યારે હોસ્પિટલના તબીબી કર્મચારીઓએ મહિલાને કોરોના કયા પ્રકારનો ચેપ લાગ્યો હતો તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે, તેણીમાં આલ્ફા અને બીટા બંને પ્રકારો મળી આવ્યા હતા. આલ્ફા વેરીયેન્ટ સૌપ્રથમ યુકેમાં મળી આવ્યું હતું; જયારે બીટા વેરિઅન્ટ સૌપ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું હતું. સંશોધનકારો આ કોરોનાને ગંભીરતાથી લેવાની સલાહ આપે છે.

(6:07 pm IST)