Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

FBનું વળગણ દૂર કરવા લાફા મારવા રાખી એક યુવતી !

મહિલાને કામ માટે લગભગ ૮ ડોલર પ્રતિ કલાકની ચૂકવણી કરવામાં આવી

સેકરામેન્ટો તા. ૧૨ : ટેસ્લા અને સ્પેસએકસના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરનારા પુરુષને વારંવાર થપ્પડ મારતી જોવા મળે છે. કારણ કે આ યુવક ફેસબુકની લતથી ગ્રસ્ત છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલો વ્યકિત મનીષ સેઠી છે. જે સાન ફ્રાન્સિસકોમાં રહેતો એક બ્લોગર છે. જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ પાવલોકનો ફાઉન્ડર પણ છે. સેઠીએ કથિત રીતે જયારે પણ ફેસબુકનો ઉપયોગ કરે ત્યારે થપ્પડ મારવા માટે એક મહિલાને કામ પર રાખી હતી. અત્રે જણાવવાનું કે કારા નામની મહિલાને કથિત રીતે કામ પર રાખવામાં આવી હતી. તે મહિલાને કામ માટે લગભગ ૮ ડોલર પ્રતિ કલાકની ચૂકવણી કરવામાં આવી હતી જેમાં તેનું કામ ફકત એટલું જ નહતું કે તે તેની બાજુમાં બેઠેલી વ્યકિતને સોશિયલ મીડિયા પર જરૂર કરતા વધુ સમય વિતાવવા પર થપ્પડ મારતી હતી.

એક બ્લોગ પોસ્ટમાં સેઠીએ કહ્યું કે તે એક મહિલાને લાફો મારવા માટે કામ રાખીને પોતાની ઉત્પાદકતા ને ૩૫-૪૦% થી વધારીને ૯૮% કરવામાં સક્ષમ હતો. આ પ્રયોગ ૯ વર્ષ પહેલા સેઠીએ અજમાવ્યો હતો. જો કે ઉત્પાદકતા વધારવાના આ અનોખા પગલા તરફ  મસ્કનું ધ્યાન હવે ગયું છે.

સેઠીની આ ટ્વીટ પર રિપ્લાય કરતા એલન મસ્કે ૨ ફાયર ઈમોજી મોકલ્યા જેનાથી બ્લોગર ખુબ પ્રભાવિત થયો. થોડા જ સમયમાં સેઠીએ મસ્કને જવાબ આપતા અને પોતાના સ્ટાર્ટ અપ વિશે જણાવતા કહ્યું કે હું એ જ છોકરો છું જે આ તસવીરમાં જોવા મળી રહ્યો છે. શું @elonmusk મને બે ઈમોજી આપી રહ્યા છે જે મારી સૌથી મોટી સફળતા છે? આ ઉપરાંત સેઠીએ અન્ય લોકોની ટ્વીટનો પણ જવાબ આપતા કહ્યું કે 'આ જ રીતે Pavlok ની શરૂઆત કરાઈ જે લોકોના સોશિયલ મીડિયા (ફેસબુક) પર વધુ સમય વિતાવવા પર યૂઝરને હળવો ઈલેકટ્રોનિક ઝટકો પણ આપે છે.'

(10:24 am IST)