Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ચીન યુકે સહીત આ દેશોના ઈ-વિઝાની સુવિધા ભારતે કરી દીધી બંધ

નવી દિલ્હી: ચીન, હોંગકોંગ, મકાઉ સહિત નવ દેશના પ્રવાસીઓ માટે ભારતે ઈ-વિઝાની સુવિધા બંધ કરી દીધી છે. આ દેશોમાં કેનેડા, યુ.કે., ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા પણ સામેલ છે. જોકે, યુ.એસ., તાઈવાન, વિયેતનામ, સિંગાપોર સહિતના વિશ્વના કુલ 156 દેશ માટે ઈ-વિઝાની સુવિધા ચાલુ રહેશે. હમણા સુધી ભારત ચીન સહિતના કુલ 171 દેશના લોકોને ઈ-વિઝાની સુવિધા આપતું હતું. ખાસ કરીને ચીનને લઈને ભારતનો નિર્ણય મહત્ત્વનો ગણાય છે. તેનું કારણ એ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સરહદે સતત આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરી રહી છે. 2015-16માં ભારતે ઈ-વિઝા માટે ચીનને પ્રાયર રેફરલ કેટેગરી (પીઆરસી)માંથી બહાર કાઢ્યું હતું, પરંતુ બાદમાં તેને અન્ય 171 દેશોની યાદીમાં સામેલ કર્યું હતું.

આ યાદીમાં ચીનની સાથે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સુદાન, ઈરાક અને વિવિધ દેશના શરણાર્થીઓને પણ ઈ-વિઝા અપાતા હતા. જોકે, માર્ચ 2020માં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ પ્રતિબંધો જાહેર કર્યા ત્યારે તમામ પ્રવાસીઓ માટે ઈ-વિઝા બંધ કરાયા હતા.

 

(4:42 pm IST)