Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

હોંગકોંગમાં મૃતદેહ દફનાવવા માટે કરોડોમાં વેચાય છે જમીન : લોકરોમાં જમા રાખવી પડે છે અસ્‍થિઓ

હોંગકોંગ તા. ૧૩ : હોંગકોંગ વિશ્વમાં સૌથી વધુ વસ્‍તી ધરાવતા એવા દેશોમાં ટોપ પર છે જેની પાસે જમીન ઓછી છે. અહીં વસ્‍તીની સરખામણીએ જમીન ઓછી હોવાને કારણે સ્‍થિતિ એટલી હદે ખરાબ છે કે મૃતદેહો દફનાવવા માટે પણ જમીન બચી નથી. એવામાં લોકો મૃતદેહ દફનાવવાના બદલે અગ્નિદાહ આપી અસ્‍થિઓને લોકરમાં મુકી રાખે છે, જેથી અસ્‍થિ દફનાવવા જેટલી જમીન મળી જાય.

વર્ષ ૧૯૭૦માં જ પ્રોપર્ટીના ભાવ હોંગકોંગમાં ઝડપથી વધવા લાગ્‍યા હતા. આ દરમિયાન લોકોને રહેવા માટે જમીનના નાના ટુકડા ઉપલબ્‍ધ કરાવવા ત્‍યાંની સરકારે નવા કબ્રસ્‍તાન નહીં બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જુની કબરોને ખોદી દર ૬ વર્ષે જૂના મૃતદેહો કાઢી બાળી નાંખવામા આવે જેથી નવા મૃતદેહને દફનાવી શકાય. આ વિચિત્ર નિયમ બાદ પણ ત્‍યાં મરનારા લોકો પાસે મૃત્‍યુ બાદ પણ સરખી જમીન હોતી નથી. મૃતકનો નંબર ૬ વર્ષે આવે છે અને જમીન મળશે કે નહીં તે પણ લોટરીથી નક્કી કરવામા આવે છે.

જો કોઈ મૃતક ભાગ્‍યશાળી હોય અથવા એવા ચર્ચનો સભ્‍ય હોય જેની પાસે મૃતકોને દફનાવવાની જગ્‍યા બાકી હોય. પરંતુ આ માટે નાની રકમ નહીં પરંતુ પરિવારજનોએ ૨ કરોડ ૮૩ લાખ રૂપિયા ચૂકવવા પડે છે. હોંગકોંગમાં વસ્‍તી અને જમીનની આ સમસ્‍યાને કારણે ઘણા લોકો પાસે પોતાનું ઘર નથી અને મર્યા બાદ જમીનની વ્‍યવસ્‍થા પણ હોતી નથી. આ જ કારણે અહીં છેલ્લા ઘણા વર્ષથી નવો વિકલ્‍પ અપનાવવામાં આવી રહ્યો છે. પરિવારજનો મૃતકને દફનાવવાના બદલે બાળી અસ્‍થિઓ જમા કરી લે છે અને સુરક્ષિત સ્‍થળે કે બેંકના લોકરમાં રાખે છે, તેઓ રાહ જોતા હોય છે ક્‍યારે યોગ્‍ય જમીન ખરીદી શકે જેથી અસ્‍થિઓ જમા કરાવી અંતિમવિધિની બાકીની પ્રક્રિયા કરી શકાય.

અહીં પરિવારજનો મૃતકની અસ્‍થિઓ એક જારમાં જમા કરી જયારે પણ નંબર આવે ત્‍યારે જાય છે. જેથી તે રાખને દફનાવી શકાય. અહીં જે કોઈ અસ્‍થિઓ દફનાવવાની વ્‍યવસ્‍થા પણ ના કરી શકે તેની માટે પણ એક સિસ્‍ટમ છે. તેણે માત્ર ૯૪ લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે જેથી તેને એક જારમાં અસ્‍થિઓ દફનાવી શકાય તેટલી જમીન આપવામા આવે છે.

હોંગકોંગના પોશ વિસ્‍તારમાં લક્‍ઝરી ઘર પ્રતિ સ્‍કે. મીટરની કિંમત ૧.૮૬ કરોડ રૂપિયા છે. એવામાં અંદાજ લગાવી શકાય છે કે હોંગકોંગમાં જીવન કેટલું મુશ્‍કેલ છે. અહીં જમીનની તંગી એટલી છે કે લોકો લાકડાના કોફિન ટાઈપના ઘરમાં રહેવા મજબૂર છે. ૧૫ સ્‍કે. ફૂટના લાકડીના આ બોક્‍સ તાબુત જેવા હોવાને કારણે તેને કોફિન ક્‍યૂબિકલ પણ કહેવામા આવે છે. કેનેડિયન ફોટોગ્રાફર બેની લેમે આ ક્‍યૂબિકલ્‍સમાં રહેતા લોકોની તસવીરો ક્‍લિક કરી હતી. લગભગ ૭૫ લાખની વસ્‍તીવાળા હોંગકોંગની વસ્‍તીનો મોટો ભાગ આ લાકડાના ઘરમાં રહે છે. ભાડાના મકાનની કિંમત વધવાને કારણે લોકો આવા કોફિન બોક્‍સમાં રહેવા મજબૂર છે. આ બોક્‍સવાળા ઘરોમાં કિચન અને ટોયલેટ એક સાથે તથા નાના હોય છે.

કોફિન ક્‍યૂબિકલ બનાવતા લોકો રિયલ એસ્‍ટેટ સાથે સંબંધ ધરાવે છે. કેઝ કે કોફિન બનાવવા આ લોકો ૪૦૦ સ્‍કે. ફૂટનું ઘર ભાડે લે છે અથવા ખરીદે છે. તે પછી ૨૦ ડબલ ડેકર બિસ્‍તરવાળા કોફિન ક્‍યૂબિકલમાં તેને ફેરવે છે. દરેક બેડનું મહિનાનું ભાડું ૨૫૦ ડોલર એટલે કે લગભગ ૧૭,૭૮૧ રૂપિયા છે.

 

(10:41 am IST)