Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વિયેતનામમાં બન્યો વિશ્વનો સૌથી મોટો કાચનો બ્રિજ

નવી દિલ્હી: વિયેતનામમાં આવેલો દુનિયાનો સૌથી વિશાળ કાચનું તળિયું ધરાવતો વોક વે બ્રિજ જાણીતો બન્યો છે. ગત એપ્રિલ માસમાં કામગીરી પૂર્ણ થયા પછી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. કાચની સપાટીવાળો આ પૂલ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોન લા પ્રાંતના મોક ચો જિલ્લામાં આવેલો છે. અણાબીડ જંગલના બે પહાડોને જોડતો પુલ ૬૩૦ મીટર (૨૦૭૩ ફૂટ) લાંબો અને ૧૫૦ મીટર  (૪૯૨ ફૂટ) ઉંચાઇ પર છે. આ પુલ ૨.૪ મીટર પહોળો અને ૩૦ મીટરના બે ટાવરનો સમાવેશ થાય છે. આ પૂલનું સ્થાનિક ભાષામાં બાખ લોગા નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ વ્હાઇટ ડ્રેગન થાય છે. કાચની સપાટી ધરાવતા આ પુલનું નિર્માણ કરતી કંપનીએ વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ ગણાવ્યો છે. આ પહેલા ચીનના ગ્વાંગદોંગમાં સૌથી મોટો કાચનો પુલ ગણાતો હતો તેની લંબાઇ ૪૩૦ મીટર છે. ચીનના ગ્રેંડ કેન્યેન ગ્લાસ બ્રિજને પણ વિયેતનામનો વ્હાઇટ ડ્રેગન બ્રીજ ટકકર મારે તેવો બન્યો છે આથી વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  પુલની સપાટી ટેપર્ડ ગ્લાસ માંથી તૈયાર કરવામાં આવી છે જે એક સાથે ૪૫૦ લોકોનો ભાર વહન કરી શકે છે. 

 

(6:22 pm IST)