Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બ્રાઝીલની નદીમાં એટલો બધો કચરો જમા થઇ ગયો કે માણસ તેના પર ચાલવા લાગ્યો

નદીની સપાટી પર પાણીની જગ્યાએ માત્ર કચરો જોવા મળી રહ્યો છે

લંડન તા. ૧૩ : તમે કચરાનો પહાડ તો જોયો જ હશે. પણ, સોશિયલ મીડિયા પર આજકાલ એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને સમગ્ર દુનિયા ચોંકી ઉઠી છે. આ ઘટના બ્રાઝિલના રિયો ડી જેનેરિયોના પશ્ચિમ સ્થિત સારાપુઇ નદીની છે. આ નદીમાં એટલો કચરો જમા થઈ ગયો કે જાણે કે આખી નદી જ ગાયબ થઈ ગઈ હોય એવું લાગ્યું. નદીની સપાટી પર પાણીની જગ્યાએ માત્ર કચરો જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ આ વાયરલ વિડીયોમાં એક વ્યકિત નદી પરના આ કચરાની સપાટી પર સંતુલન જાળવીને ચાલતો જોવા મળી રહ્યો છે. આ વ્યકિત કચરામાં જાણે કોઈ કામની ચીજવસ્તુ શોધતો હોય તેવું લાગી રહ્યું છે.

આ ફોટોગ્રાફને ટ્વિટર પર @g1rioના ઓફિશિયલ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તેમણે આ ફોટોગ્રાફની કેપ્શનમાં લખ્યું કે કચરાથી ભરેલી નદી પરથી ચાલી રહેલો એક માણસ. અહીં નોંધનીય છે કે સારાપુઇ નદી તે રિયો ડી જેનેરિયોમાંથી પસાર થઈને ૩૬ કિલોમીટર સુધી વહે છે. આ વિસ્તારના જળ સંસાધનને બચાવવા માટે વનવિસ્તારને ૨૦૧૩માં એક સ્ટેટ પાર્ક બનાવવામાં આવ્યો હતો. કારણકે વરસાદમાં આ નદીમાં પૂર આવે છે. જયારે, વરસાદ બાદ પાણીની અછતના કારણે કચરો તેનું સ્થાન મેળવે છે.

રિપોર્ટ મુજબ, આ નદીમાંથી લગભગ ૧૦ ટકા તાજુ પાણી મળે છે જેનાથી તેની આસપાસના લોકોનું જીવન ચાલે છે. આ પાણી પણ લોકોને ઘણી વખત કચરા અને ગટરવાળી જગ્યામાંથી મળે છે. રિયો ઓલિમ્પિક પહેલા સરકારે આ ખાડીને સાફ કરવા માટેનું વચન આપ્યું હતું કારણકે અહીં એક સ્પર્ધા પણ યોજાવાની હતી. પરંતુ, મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે સરકારે તે દિશામાં કોઈ ચોક્કસ પગલા લીધા નહીં.

(9:55 am IST)