Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

યુવક બે મહિનાથી કોમામાં હતોઃ 'ચિકન' નામ સાંભળતા જ ભાનમાં આવી ગયો!

અકસ્માત નડ્યો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચી હતી

તાઇવાન,તા.૧૩:તમને ગમતી વાનગીને યાદ કરતા જ મોઢામાં પાણી આવી જતું હોય છે. ખાવા સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ કિસ્સો સાંભળ્યા બાદ તમામ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. હકીકતમાં છેલ્લા બે મહિનાથી કોમામાં સરી પડેલો એક ૧૮ વર્ષીય યુવક ચિકનનું નામ સાંભળતા જ અચાનક ભાનમાં આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ૧૮ વર્ષીય ચિયૂને ચિકન ખૂબ પસંદ હતું. છેલ્લા ૬૨ દિવસથી તે કોમામાં સરી પડ્યો હતો. આ દરમિયાન તેની સામે તેના ભાઈએ ચિકનનું નામ લીધું હતું. આ નામ સાંભળતા જ ચિયૂ ભાનમાં આવી ગયો હતો. આ સાંભળીને પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને સાથે સાથે તમામ સભ્યોને નવાઈ પણ લાગી હતી.

તાઇવાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, તાઇવાનમાં રહેતી ચિયૂને અકસ્માત નડ્યો હતો. અકસ્માતથી તેને ખૂબ ઈજા પહોંચી હતી. ચિયૂના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનો જીવ તો બચી ગયો હતો પરંતુ તે કોમામાં ચાલ્યો ગયો હતો. આશરે ૬૨ દિવસ સુધી ચિયૂ કોમામાં રહ્યો હતો. પરિવારના તમામ સભ્યો તે ભાનમાં આવે તે માટે પ્રાર્થના કરતા હતા.

રિપોર્ટ પ્રમાણે ચિયૂના પરિવારના લોકો એ સમયે આશ્યર્યમાં પડી ગયા જયારે ચિયૂનો મોટો ભાઈ હોસ્પિટલ પહોંચ્યો અને તેણે મજાક મજાકમાં કહ્યું કે ભાઈ હું તારું મનપસંદ ચિકન ખાવા જઈ રહ્યો છું. જે બાદમાં અહીંનો માહોલ બદલાઈ ગયો હતો. કોમામાં રહેવા છતાં તેના હૃદયના ધબકારા વધી ગયા હતા અને તે ભાનમાં આવી ગયો હતો. ચિયૂને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યા હતા. જે બાદમાં લોકો એક બીજાને પૂછવા લાગ્યા હતા કે એ કઈ રેસિપી છે જે જેનું નામ સાંભળતાની સાથે જ ચિયૂ કોમામાંથી બહાર આવી ગયો હતો?.

(9:56 am IST)