Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જીન્સનાં પેન્ટમાં કેમ હોય છે નાનું પોકેટ?

નવી દિલ્હી,તા. ૧૪: જીન્સની ફેશન કયારેય 'આઉટ ઓફ ફેશન' નથી થતી, ભવિષ્યમાં પણ કદાચ ભાગ્યે જ જશે. જીન્સ એક એવો ડ્રેસ છે જે દરેક પ્રસંગોને અનુકૂળ આવે છે. તમે જીન્સ પેન્ટ્સને કોઈપણ પ્રકારના કપડા સાથે મેચ કરીને પહેરી શકો છો. આ બધા કારણોને લીધે આજે લોકો મોટાભાગના લોકો જીન્સ પહેરતા થઈ ગયા છે. આપણે એમ પણ કહી શકીએ કે, પૃથ્વી પર સૌથી વધુ પહેરવામાં આવતા કપડાંઓ પૈકીનું એક છે જીન્સ.

એક સમય હતો જયારે ફકત કંપનીઓમાં કામ કરતા કામદારો જીન્સ પહેરતા હતા. પરંતુ આજે જીન્સ સામાન્યથી લઈને ખાસ વ્યકિત દરેકની પ્રથમ પસંદ બની ગઈ છે. જીન્સથી બનેલા પેન્ટ્સ જોઈને મનમાં એક સવાલ પણ ઉભો થાય છે કે તેના આગળના ભાગમાં નાનું ખિસ્સુ કેમ છે? આજે અમે તમને જીન્સ પેન્ટમાં નાના ખિસ્સા બનાવવાનું કારણ જણાવીશું.

જીન્સની શોધ ખાણમાં કામ કરતા કામદારો માટે કરવામાં આવી હતી. તે દરમિયાન પોકેટ વોચ ટ્રેન્ડમાં હતી. આવી સ્થિતિમાં, કામદારો આ નાના ખિસ્સામાં વોચ રાખતા હતા, જેથી તે તૂટે નહીં. ધીમે ધીમે આ નાનું ખિસ્સું જીન્સનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો. જીન્સ બનાવનારી કંપની લેવી સ્ટ્રાઙ્ખસ, જેને આપણે લિવાઈસનાં નામથી જાણીએ છીએ, તેણે આ નાનકડું ખિસ્સું સૌ પ્રથમ બનાવ્યું હતું. આ નાના ખિસ્સાને વોચ પોકેટ કહેવામાં આવે છે.

જોકે, હવે ઘણા લોકો આ ખિસ્સાને કોઈન અથવા ટિકિટ પોકેટ તરીકે ઓળખે છે. જીન્સના ખિસ્સા પરના નાના બટનો વિશે વાત કરીએ તો, આ બટનો પણ કામદારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મજૂરો ભારે મહેનતવાળું કામ કરતા હતા. તેથી ખિસ્સા પર નાના બટનો મૂકવામાં આવ્યા હતા, જેથી પેન્ટની સિલાઈ મજબૂત રહે અને તેનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે. જોકે, આ નાના બટનો હવે જીન્સની ડિઝાઈન હોવાનું માનવામાં આવે છે.

(9:49 am IST)