Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી પીડીત લોકો ઘરની વસ્તુઓ વેચવા માટે મજબુર બન્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું ત્યારથી લોકોની સમસ્યાઓ સતત વધી રહી છે. ઘણા દેશોએ અફઘાનિસ્તાન સરકાર પર પ્રતિબંધો લાદ્યા બાદ આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. લોકોની કમાણીનાં સાધનો સમાપ્ત થઈ ગયા છે. હવે લોકો માટે કુટુંબ ચલાવવું અને બાળકોને ખવડાવવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.

આવી ખરાબ પરિસ્થિતિમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે લોકોને તેમની મહેનતની કમાણી વેચવાની ફરજ પડી છે. ભૂખથી પીડાતા લોકોએ માત્ર પથારી, ગાદલા, તકિયા નહીં પરંતુ ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન, પંખા, એસી, કુલર અને રસોડાની વસ્તુઓ પણ વેચવા માટે મૂકી છે. છેલ્લા એક મહિનાથી અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ થઈ રહી છે. તાલિબાનનાં કબજા પછી, વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને સેન્ટ્રલ બેંક ઓફ અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા ભંડોળમાં ઘટાડો અથવા બંધ થવાનાં કારણે પરિસ્થિતિ ભૂખમરામાં ફેરવા લાગી છે. અફઘાનિસ્તાનમાં બેંકો ખુલી રહી હોવા છતાં તેમની પાસે રોકડ નથી. તેના કારણે બેંકમાં રાખવામાં આવેલી લોકોની બચત તેમને ઉપલબ્ધ થઇ રહી નથી. એટીએમ પણ ખાલી છે. હવે લોકો પાસે તેમની ભૂખ સંતોષવા માટે ઘરની વસ્તુઓ વેચવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. બેંકમાં રોકડની અછત બાદ ઉપાડની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સાત દિવસમાં બેંક ખાતામાંથી માત્ર 16 હજાર રૂપિયા ઉપાડી શકાય છે. બેંકની બહાર કેટલીક લાઇનો જોવા મળી રહી છે જેવી નોટબંધી બાદ ભારતમાં જોવા મળી હતી.

(6:12 pm IST)