Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઓક્ટોબરના અંત સુધીમાં 12 વર્ષથી નાના બાળકોને આપવામાં આવશે કોરોના વાયરસની રસી

નવી દિલ્હી: અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટના સતત વધી રહેલા કેસને પગલે ૧૨ વર્ષથી ઓછી વયના બાળકો માટે કોવિડ-૧૯ની વેક્સિન આગામી મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ બનશે એવા અહેવાલ છે. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર બે આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું હતું કે, ૫થી ૧૧ વર્ષના બાળકો માટેની કોવિડ વેક્સિનને ઓક્ટોબરના અંત સુધીમાં મંજૂરી મળી જશે, જે માતાપિતાને રાહત આપશે.

અમેરિકામાં અત્યારે ૧૨ વર્ષ અને એથી વધુ વયના બાળકો માટે જ વેક્સિન ઉપલબ્ધ છે. ન્યૂયોર્ક ટાઇમ્સે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશ્નર ડો. સ્કોટ ગોટલિબને ટાંકીને જણાવ્યું હતું કે, નાની વયના બાળકો માટે વેક્સિનને મંજૂરી આપતા પહેલાં ક્લિનિકલ ડેટાની સાવચેતી અને ઝીણવટભરી સમીક્ષા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ગોટલિબ ફાઇઝરના બોર્ડના પણ સભ્ય છે. ગોટલિબે જણાવ્યું હતું કે, 'નાની વયના બાળકો માટે ફાઇઝરની વેક્સિન ૩૧ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. ફાઇઝરે જે પ્રકારનો ડેટા એકત્ર કર્યો છે તેના આધારે મને કંપનીમાં વિશ્વાસ છે.' ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા વચગાળાના બાળરોગ નિષ્ણાત ડો. જેમ્સ વર્સેલોવિચે જણાવ્યું હતું કે, નાની વયના બાળકોની વેક્સિનને ઓક્ટોબર સુધીમાં મંજૂરી મળવાની શક્યતાના ગોટલિબના મત સાથે હું સંમત છું. અમે પરીક્ષણને શક્ય એટલા ઝડપથી પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' ડેલ્ટા વેરિયન્ટને પગલે બાળકોમાં હોસ્પિટલાઇઝેશનના કેસ વધી રહ્યા છે ત્યારે વર્સેલોવિચે જણાવ્યું હતું કે, તે અને તેમના સાથીઓ વિક્રમી સંખ્યામાં સંક્રમિત બાળકોને તપાસી રહ્યા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ફાઇઝર અને મોડર્ના બાળકોમાં કોવિડ વેક્સિનની સુરક્ષા, યોગ્ય ડોઝ અને અસરકારકતા અંગેનો ડેટા એકત્ર કરી રહ્યા છે.

(6:13 pm IST)