Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઉત્તર કોરિયાએ અમેરિકા સહીત વિશ્વને આપેલ વચનો તોડ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ અમેરિકા અને વિશ્વને આપેલા વચનો ફરી તોડયા છે અને પરમાણુ મિસાઇલોનું પરીક્ષણ શરૂ કરી દીધુ છે. ઉત્તર કોરિયા દ્વારા 1500 કિમી સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવતી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેને પગલે અમેરિકા ભડક્યું છે અને ઉત્તર કોરિયાને પાડોશી તેમજ અન્ય દેશો માટે મોટો ખતરો ગણાવ્યો છે.

ઉત્તર કોરિયાના કેસીએનએ મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શનિવાર અને રવિવાર એમ સતત બે દિવસ સુધી ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવ્યું. મિસાઇલ તેના ટાર્ગેટ સુધી પહોંચે તે પહેલા તેણે 1500 કિમીનું અંતર કાપ્યું હતું. મિસાઇલ આશરે 126 મિનિટ સુધી હવામાં રહી હતી.

પરીક્ષણનું અવલોકન ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન તેમજ સૈન્ય વડા પાક જોગ ચોને કર્યું હતું. એક પ્રકારની ક્રૂઝ મિસાઇલ છે અને તેને બનાવવાનું કામ બે વર્ષથી ચાલી રહ્યું હતું. અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચેનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ વચ્ચે વાતચીત બાદ વિવાદને શાંત પાડવાના પ્રયાસો થયા હતા. જેને પગલે એવી આશા હતી કે ઉત્તર કોરિયા હવે કોઇ પરમાણુ મિસાઇલનું પરીક્ષણ નહીં કરે. એવામાં પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ અમેરિકાને એક રીતે સીધી ચેતવણી આપી છે અને તેનો કોઇ પણ આદેશ માનવાની ના પાડી દીધી હોવાનો સંદેશો પણ મોકલી દીધો છે.

(6:14 pm IST)