Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

કેનેડાના આ 90 વર્ષીય ઍક્ટર અને ડાયરેક્ટરે અંતરિક્ષની યાત્રા કરી ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી  : કેનેડાના 90 વર્ષીય એક્ટર અને ડાયરેક્ટર વિલિયમ શૈટનરે અંતરિક્ષ યાત્રા કરીને ઈતિહાસ રચી દીધો છે. જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજીનના ન્યૂ શેફર્ડ રોકેટ દ્વારા અંતરિક્ષ યાત્રા કરી હતી. આ યાત્રામાં શૈટનર સિવાય ઓબ્ઝર્વેશન કંપનીના સહ સંસ્થાપક ક્રિસ બોસુઈજેન, બ્લુ ઓરિજીનના વાઈઝ પ્રેસિડેન્ટ ઓન્ડ્રે પાવર્સ અને ફ્રેંચ સોફ્ટવેર કંપનીના વાઈઝ હેડ ગ્લેન ડે રીઝ પણ સામેલ હતા.

કેનેડિયન કલાકાર શૈટનરે રૂપેરી પડદે 'કેપ્ટન કિર્ક'ની ભૂમિકામાં ઘણી વખત અવકાશની યાત્રા કરી છે. તેમની ભૂમિકા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ આ તેમના જીવનનો પ્રથમ અવસર હશે કે તેમણે વાસ્તવિક રીતે અંતરિક્ષની સફર કરી હોય. બ્લુ ઓરિજિન કંપનીનું આ બીજું મિશન હતું. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ મિશન 10 મિનિટથી થોડુક વધારે ચાલ્યું હતું. પાછા ફર્યા બાદ, શૈટનરે કહ્યું હતું કે, આ અનુભવ જીવનના અન્ય કોઈપણ અનુભવથી સંપૂર્ણપણે અલગ છે. તેને શબ્દોમાં સમજાવી શકાતું નથી. મેં મારા જીવનમાં આ પહેલા ક્યારેય આવું કશું જોયું નથી. તમને જણાવી દઈએ કે,જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન અવકાશ યાત્રાના ક્ષેત્રમાં પોતાનો હિસ્સો મજબૂત રીતે વધારવાના પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધી, આ વિસ્તારમાં અન્ય અમેરિકન ઉમરાવ એલોન મસ્કની કંપનીનું વર્ચસ્વ યથાવત છે. અગાઉ કંપની દ્વારા જુલાઇ મહિનામાં સ્પેસ મિશન કરવામાં આવ્યું હતું.

(6:13 pm IST)