Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પાકિસ્તાનમાં ચાની કિંમત આસમાને પહોંચી

નવી દિલ્હી: કમરતોડ મોંઘવારીના કારણે પાકિસ્તાનના લોકો માટે જીવવાનું પણ દુષ્કર બની ગયું છે. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી છે. માત્ર શહેરોમાં જ નહીં પણ પાકિસ્તાનના ગામડાઓમાં પણ દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે, પાકિસ્તાનીઓ માટે ચાનો સ્વાદ પણ ફીકો પડી ગયો છે. જો પાકિસ્તાન ઈચ્છેત તો તેને ભારત પાસેથી ખાંડ મળી જતી પરંતુ તેણે આ વર્ષે ભારતથી આયાત કરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના સુપરસ્ટાર બોલર શોએબ અખ્તરના શહેર રાવલપિંડીમાં એક કપ ચાની કિંમત 40 રૂપિયા થઈ ગઈ છે. ચા વેચનારા વ્યક્તિએ જણાવ્યું કે, પહેલા એક કપ ચાની કિંમત 30 રૂપિયા હતી જે હવે વધીને 40 રૂપિયા થઈ ગઈ છે. ચાની કિંમતોમાં તાજેતરમાં જ ફરી એક વખત વધારો થયો છે. ચાની પત્તી, ટી બેગ્સ, દૂધ, ખાંડ અને ગેસની કિંમતોમાં વધારાના પગલે ચાની કિંમતમાં થોડા સમયમાં જ 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

દૂધની કિંમત 105થી વધીને 120 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે અને તે સિવાય ચા પત્તીની કિંમત 800થી 900 રૂપિયા અને ગેસ સિલિન્ડરની કિંમત 1,500થી 3,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક ચા વેચનારા ભાઈએ જણાવ્યું કે, તેમની આખા દિવસની ટોટલ કમાણી 2,600 રૂપિયા થઈ હતી પરંતુ તેમણે જ્યારે નફો કાઢ્યો તો માત્ર 15 રૂપિયાનો જ ફાયદો થયેલો. આખરે તેમણે ગુજરાન ચલાવવા માટે ચાની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

(6:14 pm IST)