Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ઉઇગર સહીત અન્ય મુસ્લિમ લઘુમતીઓ માટે અમેરિકામાં પુનવર્સન માટે અરજી કરવી સરળ બની શકે છે...

નવી દિલ્હી: અમેરિકાના બે સેનેટરો માર્કો રૃબિયો અને ક્રિસ કૂંસે દ્વિપક્ષીય વિધેયક રજૂ કર્યુ છે.જો આ વિધેયક પસાર થઇ જશે તો ચીનની સરકાર દમનનો સામનો કરી રહેલા ઉઇગરોને પ્રાથમિકતાને આધારે અમેરિકામાં શરણાર્થીઓનો દરજ્જો આપવામાં આવશે. વિધેયક રજૂ કરનાર બંને સાંસદોએ જણાવ્યું હતું કે ઉઇગર માનવાધિકાર સંરક્ષણ અધિનિયમથી ઉઇગર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓ માટે અમેરિકામાં પુનવર્સન માટે અરજી કરવી સરળ બની જશે. 

સાંસદોએ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનને અપીલ કરી છે કે તે ચીનના શિનજિયાંગ પ્રાંતના ઉઇગર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓની મદદ માટે વધારાના પગલા ભરે. આવા પ્રકારનું વિધેયક પ્રતિનિધિ સભામાં સાંસદ ટેડ ઇયુચ અને મેરિયો ડિયાઝે પણ રજૂ કર્યુ છે. ગયા મહિને વિદેશી પ્રધાન બ્લિકંને ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર વિરુદ્ધના નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દે અમેરિકા અવાજ ઉઠાવતુ રહેશે.બ્લિકંને જણાવ્યું હતું કે ચીનના માનવાધિકારના ભંગના કેસોમાં અમારુ વલણ સ્પષ્ટ છે. અમે નરસંહારને માનવાધિકાર ભંગ તરીકે જોઇએ છીએ. આ મુદ્દે વિશ્વના તમામ દેશોેએ એક સાથે અવાજ ઉઠાવવાની જરૃર છે. 

(6:02 pm IST)