Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આ બ્રિટિશ દોડવીરે અશ્વને પણ હંફાવી દીધો હોવાની માહિતી

નવી દિલ્હી: ખૂબ જ તેજ ઝડપ માટે અશ્વગતિ એવો શબ્દ વપરાય છે. તેમાં એક રીતે અશ્વ એટલે કે, ઘોડાની ઝડપની મહત્તા પણ દર્શાવાય છે. ત્યારે શું કોઈ મનુષ્ય ઘોડાથી પણ વધુ ઝડપે દોડીને તેનાથી આગળ નીકળી શકે- આ સવાલ થવો સ્વાભાવિક છે. બ્રિટિશ દોડવીર રિકી લાઈટફુટે ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે, કોઈ મનુષ્ય ઘોડા કરતાં પણ વધારે ઝડપે દોડી શકે તે શક્ય છે. બ્રિટનમાં વેલ્સના લલનરાઈટીડ વેલ્ટ ખાતે આયોજિત મેન વર્સીઝ હોર્સ રેસ પ્રતિયોગિતામાં લાઈટફુટે વિજયી બનીને ઘોડાને માત આપી છે. તે ઘોડાની સવારી કિમ અલમન કરી રહ્યા હતા. લાઈટફુટ આ પ્રકારની પ્રતિયોગિતામાં વિજેતા બનનારા ત્રીજા વ્યક્તિ છે. લાઈટફુટે માત્ર 2 કલાક, 22 મિનિટ અને 23 સેકન્ડની દોડમાં ઘોડાને 2 મિનિટ અને એક સેકન્ડમાં હરાવ્યો હતો. સ્પર્ધામાં વિજય બાદ તેમને 3,500 પાઉન્ડ (આશરે 3.29 લાખ રૂપિયા)નો પુરસ્કાર મળ્યો હતો. વેલ્સના ગ્રામીણ વિસ્તારોમાં આયોજિત 22 માઈલની દોડમાં 60 ઘોડાઓ અને સવારોની એક ટીમ સામે 1,200 પ્રતિસ્પર્ધીઓ સામેલ થયા હતા. રસ્તામાં સીધા ચઢાણોવાળી પહાડીઓ અને કીચડવાળા વિસ્તારોએ દોડવીરોને ખૂબ જ પડકાર આપ્યો હતો. 

 

(6:44 pm IST)